વડોદરાના માણેજામાં પતિ-પત્ની વચ્ચે મારામારી થતા સામસામે ફરિયાદ
- માનેજામાં રહેતા દંપતિ વચ્ચે ખોટા શક વહેમ રાખવા બાબતે તકરાર થતા મારામારી થઈ હતી બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી છે
વડોદરા,તા.06 નવેમ્બર 2023,સોમવાર
વડોદરાના માણેજામાં શિવબા નગરમાં રહેતી ભાવિતા સોલંકી સિલાઈ કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પિયર નજીકમાં ભાડાના મકાનમાં દોઢ વર્ષથી મારા પતિ અને બે બાળકો સાથે રહું છું, મારા પતિ નયનભાઈ કોલેજનો સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. મારા પતિ મારા પર શક વહેમ રાખતા હોવાથી દસ દિવસ પહેલા મારે બોલાચાલી થઈ હતી. જેથી મારા પતિ સાંકરદા મારી સાસરીમાં રહેવા જતા રહ્યા હતા અને ગઈકાલે સવારે તેઓ ઘરે આવ્યા હતા. રાત્રે 9:30 વાગે હું તથા મારા પતિ અને બાળકો ઘરે બેઠા હતા તે વખતે મારા પતિએ મારા પર આક્ષેપ કરી ગાળો બોલતા હતા અને મારી સાથે જપાજપી કરતા હતા. મારી નાની બહેન છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારા પતિએ ધક્કો મારીને પાડી દીધી હતી. મારા પપ્પા આવી જતા મારો પતિ ઘરેથી ભાગી ગયો હતો.
સામા પક્ષએ પતિ નયન સોલંકીએ પત્ની ભાવિતા અને સસરા નગીનભાઈ કરસનભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મોટા પુત્ર પૃથ્વીને કૂતરું કરડતા અમે તેની બાધા રાખી હતી. તે બાધા પૂરી કરવા માટે હું મારી પત્નીને સાંકરદા ખાતે અમારા ઘરે જવાનું કહેતો હતો પરંતુ મારી પત્ની ના પાડતી હોવાથી અમારે તે બાબતે ઝઘડા થતા હતા. આજે મારી પત્નીએ મને કહ્યું હતું કે મારે તારી સાથે રહેવું નથી મારા સસરાએ પણ મારી પત્નીનું ઉપરાણું લઈને મને માર માર્યો હતો.