નશા માટેના કફ સીરપનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા ચેકિંગ
મેડિકલ સ્ટોરોમાં પોલીસ દ્વારા તપાસ ઃ સોશિયલ મીડિયા દ્વારા પણ જાગૃતિ
વડોદરા, તા.30 ખેડા જિલ્લામાં બિલોદરા ગામે તેમજ તેની આસપાસના ગામોમાં નશા માટે ઉપયોગમાં લેવાયેલી આયુર્વેદિક કફ સીરપ પીધા બાદ કેટલાંક યુવાનોના મોતના બનાવને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં પણ તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ દ્વારા વિવિધ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહુધારોડ પર આવેલા આ ગામમાં કથિત લઠ્ઠાકાંડના કારણે મોત થયું હોવાની વાતો વચ્ચે એવો ખુલાસો થયો હતો કે આયુર્વેદિક કફ સીરપ પીવાથી યુવાનોના મોત થયા છે. આ ખુલાસા બાદ તંત્ર દ્વારા અન્ય જગ્યાએ આવી ઘટના ના બને તે માટે વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આયુર્વેદિક કફ સીરપનો ઉપયોગ નશા માટે થતો હોવાનું અગાઉ પણ ખૂલ્યું હતું તેમ છતાં મેડિકલ સ્ટોરમાં તેનું વેચાણ ચોરીછૂપીથી થતું હોવાથી કેટલાંક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરમાં એસઓજી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેવી જ રીતે જિલ્લામાં પણ ખાસ કરીને સાવલી અને ડેસર પંથકમાં આયુર્વેદિક કફ સીરપ કોઇ દુકાન પર વેચાણ થતું હોય તો તેને અટકાવવા તેમજ કાર્યવાહી કરવાના આદેશ છૂટતા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ શરૃ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ જેવી જ ઘટના ના બને તે માટે પોલીસ એલર્ટ બની છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ કફ સીરપનું વેચાણ થતું હોય તો અમને જાણ કરો અથવા તેનું સેવન ના કરે.