૧કરોડની ખંડણી માંગનાર ગેંગનો પીછો કરતી પોલીસ ચાર રાજ્યોમાં ફરી
વડોદરાઃ સમા વિસ્તારના ફરસાણના વેપારીને ધમકાવી રૃ.એક કરોડની ખંડણીની માંગણી કરનાર પૂર્વ નોકર અને તેના સાગરીતને શોધવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ચાર રાજ્યોમાં પડાવ નાંખ્યો હતો.
સમા ચાણક્યપુરી પાસે મંગલતિર્થ સોસાયટીમાં રહેતા કોર્પોરેટરના ભાઇ સીતારામસિંહ રાજપુરોહિતને ધમકી આપી રૃ.૧ કરોડની માંગણી કરવાના ગુનામાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ખુદ તપાસ પર નજર રાખી હતી.ખંડણીના ફોન કરનાર ગુનેગાર પર ક્રાઇમ બ્રાન્ચ સતત વોચ રાખી રહી હતી.
આ માટે પોલીસની ટીમો યુપી, રાજસ્થાન,હરીયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં સતત ફરી હતી.ગુનેગારોને તેની સહેજ પણ ગંધ આવી નહતી.આખરે પોલીસ બંને ગુનેગાર સુધી પહોંચી હતી અને ખંડણી માટે ધમકી આપનાર નામચીન પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઇ (ખેતાસર,જોધપુર, રાજસ્થાન)તેમજ ૨૦ દિવસ પહેલાં જ સમા ના વેપારીને ત્યાંથી નોકરી છોડનાર રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઇ ( રહે.બુદ્ધનગર, જોધપુર, રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા.
પીઆઇ આર જી જાડેજાની ટીમે બંને આરોપીને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં રામનિવાસે તેની પત્નીને ગંભીર બીમારી હોવાથી સારવાર માટે શેઠને ગભરાવીને આસાનીથી રૃપિયા પડાવી લઇશ તેમ માનીને ખેલ કર્યો હોવાનું ખૂલ્યું હતું.