વડોદરામાં ચોરોનો વધુ એક વીડિયો વાયરલ થતાં સાયબર સેલની તપાસ,ચોરોનો ખોફ દૂર કરવા પેટ્રોલિંગની પેટર્ન બદલી
વડોદરાઃ વડોદરામાં ચોરોનો ખોફ ઓછો કરવા માટે પોલીસ તંત્ર ફૂટ પેટ્રોલિંગ તેમજ મહોલ્લા મીટિંગો કરીને તનતોડ મહેનત કરી રહ્યું છે તેવા સમયે ધારદાર હથિયાર સાથે ચોરોનો સોસાયટીના ખોટા નામ સાથેનો વીડિયો વાયરલ થતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
શહેરમાં ચોરો ત્રાટકતા હોવાના બનાવો તેમજ ગેંગ ઉતરી આવી હોવાની અફવાના માહોલને કારણે લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો હોવાથી તેમજ અનેક વિસ્તારોમાં લોકો જાગરણ કરતા હોવાથી ચોરોનો ખોફ દૂર કરવા માટે શહેર પોલીસ તંત્ર કામે લાગ્યું છે.
પોલીસ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ,ફૂટ પેટ્રોલિંગ તેમજ મહોલ્લા મીટિંગોનો દોર જારી રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત જેલમાંથી છૂટયા હોય તેવા ચોરો પર પણ વોચ રાખવામાં આવીરહી છે. જ્યારે,સીસીટીવી મારફતે પણ વિવિધ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે.
દરમિયાનમાં ધારદાર હથિયાર સાથે અર્ધનગ્ન હાલતમાં,મોંઢે બુકાને તેમજ કેસરી રંગના હાથમોજા પહેરીને સોસાયટીમાં ફરતા ચોરોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો હરણી રોડની ઇન્દ્રપુરી સોસાયટીનો હોવાનો મેસેજ મુકવામાં આવે છે.પરંતુ સોસાયટીના રહીશોએ તેનો ઇનકાર કર્યો છે.વળી,આ વીડિયો વડોદરાનો છે કે બહારનો છે તેની પણ કોઇને જ જાણકારી નથી.જેથી સાયબર સેલ આ વીડિયો તેમજ સોસાયટીનું ખોટું નામ જોડી વાયરલ કરનારા પર નજર રાખી રહી છે.
માંજલપુરમાંથી મોબાઇલના ટાવરના કેબલની ચોરી કરનાર બે પકડાયા, દોઢલાખનો સામાન મળ્યો
માંજલપુર સુર્યદર્શન ટાઉનશિપ વિસ્તારમાં મોબાઇલ ટાવરના કિંમતી કેબલની ચોરી કરનાર ચોર ટોળકીના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
સૂર્યદર્શન ટાઉનશિપ પાસે ખુલ્લા ગોડાઉનમાં મુકેલા મોબાઇલ ટાવરના કેબલ ચોરી થવાનો પાંચ મહિના પહેલાં બનાવ બન્યો હતો.જેની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઠેકરનાથ સ્મશાન પાસેથી બે ચોરને ઝડપી પાડયા છે.
પોલીસે દોઢ લાખની કિંમતના કેબલના વાયર કબજે કરી રવિ ઉર્ફે રાયડર ઉર્ફ ખુશ મંગાભાઇ દેવીપૂજક(દશામાતાના મંદિર પાસે,ગોરવા) અને કોહિનૂર મહેશભાઇ દેવી પૂજક(વડસર ગામ,હાલ રહે.સફેદ વુડાના મકાન,પાંજરાપોળ પાસે,ખોડિયારનગર)ની પૂછપરછ કરતાં ચાર સાગરીતો રિક્ષામાં કેબલ ચોરી લાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.આ પૈકીના કેટલાક કેબલ ઓગાળી નાંખી તાંબા અને એલ્યુમિનિયમ ભંગારમાં વેચી દીધું હતું.