14 નિર્દોષોના ભાેગ લેનાર બોટકાંડમાં કોર્પોરેશને છુપાવેલો 25 ટકાનો ભાગીદાર અલ્પેશ ભટ્ટ ઝડપાયો
વડોદરાઃ હરણીના લેકઝોનમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં સિટની તપાસ દરમિયાન કોર્પોરેશનની એક પછી એક ગંભીર બેદરકારી બહાર આવી રહી છે.કોર્પોરેશને જાહેર નહિં કરેલું ૨૫ ટકાના ભાગીદારનું નામ ખૂલતાં પોલીસે તેની ધરપકડ કરી છે.
હરણીના તળાવમાં બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ નિર્દોષોના ભોગ લેવાયા હતા.જે બનાવમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી નજરે પડતી હોવા છતાં કોર્પોરેશને ફરીયાદી બની કોન્ટ્રાક્ટ લેનાર ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી હતી.
એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેજા હેઠળ બનેલી સિટમાં સુપર વિઝન કરતા ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓએ એક પછી એક ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી.સિટ દ્વારા કોર્પોરેશનની બેદરકારી અંગે પણ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
પોલીસની તપાસ દરમિયાન બોટિંગના કોન્ટ્રાક્ટ અંગે થયેલા ત્રિપક્ષીય કરારમાં અલ્પેશ ભટ્ટની સહી જોવા મળતાં અધિકારીઓએ કોર્પોરેશન પાસે ખૂલાસો માંગ્યો હતો.થ્રી સ્ટાર નામની બોટિંગ કંપની ધરાવતા અલ્પેશ ભટ્ટ પાસે બોટિંગનો સૌથી પહેલાં કોન્ટ્રાક્ટ હોવાની અને તેણે મુખ્ય સૂત્રધાર પરેશ શાહના પુત્ર વત્સલ તેમજ નિલેશ જૈન સાથે ત્રિપક્ષીય કરાર કરી નિલેશને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો બહાર આવી હતી.
અલ્પેશ ભટ્ટ હજી પણ ૨૫ ટકાના ભાગીદાર તરીકે ચાલુ હોવાની માહિતી બહાર આવી છે.કોર્પોરેશને છુપાવેલી માહિતી ખૂલતાં પોલીસે અલ્પેશ ભટ્ટને આરોપી બનાવી ધરપકડ કરી છે.
હરણી લેકઝોનની તમામ બોટ અલ્પેશ લાવ્યો હતો
હરણી લેકઝોનની દુર્ઘટનાના બનાવમાં પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
હરણી લેકઝોનના કોન્ટ્રાક્ટની મોટાભાગની માહિતી છુપાવનાર કોર્પોરેશન તેમજ લેકઝોનના કોન્ટ્રાક્ટના પેપર્સની તપાસ દરમિયાન અલ્પેશ ભટ્ટ નામના વધુ એક આરોપીનું નામ ખૂલ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,અલ્પેશ ભટ્ટ પાસે સૌથી પહેલાં બોટિંગનો કોન્ટ્રાક્ટ હતો અને તેણે બોટો વસાવી હતી.પરંતુ પરેશના કહેવાથી ઓગષ્ટ-૨૩માં આ કોન્ટ્રાક્ટ પરત લઇને નિલેશ જૈનને આપવામાં આવ્યો હતો.નિલેશે આ બોટો ચાલુ રાખી હતી.જે પૈકી એક બોટ પલટી ગઇ હતી.
હરણી લેકઝોનના કોન્ટ્રાક્ટરો પાસે ઇન્સ્યોરન્સ પણ નહતો
હરણી લેકઝોનના કોન્ટ્રાક્ટરો પાસે બોટ કે રાઇડ્સનો વિમો પણ નહિં હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
હરણી લેકઝોનમાં બોટ પલટી જવાના બનાવમાં પોલીસની ટીમો જુદાજુદા પાસા તપાસી રહી છે ત્યારે ડીસીપી પન્ના મોમાયાએ લેકઝોનના કોન્ટ્રાક્ટર પાસે બોટ અને રાઇડ્સના વિમા અંગે માહિતી માંગી હતી.
શરૃઆતમાં પરેશ શાહ અને અન્ય ભાગીદારોએ વીમો ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી.પરંતુ તેમની પાસે વીમો રિન્યૂ કર્યાના કાગળ મળ્યા નથી.જેથી પોલીસે વીમા કંપનીના અધિકારીઓને બોલાવ્યા છે.