વ્યાજખોરો સામે વડોદરા પોલીસની ઝુંબેશઃતા.27મીએ પહેલી જનસંપર્ક સભા
વડોદરાઃ વડોદરા પોલીસે ફરી એક વાર વ્યાજખોરો સામે ઝુંબેશ શરૃ કરી છે.જેના ભાગરૃપે આગામી તા.૨૭મીએ પહેલી જનસંપર્ક સભા બોલાવવામાં આવી છે.
વડોદરા શહેરમાં વ્યાજખોરોને કારણે આપઘાત કરવાના અનેક બનાવો બન્યા છે.જેથી આવા બનાવો રોકવા માટે તેમજ તેની સાથે સાથે સરકારની નાણાંકીય યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસવડાની સૂચનાથી વડોદરા શહેર પોલીસ કમિશનરે આગામી તા.૨૭મીએ પહેલી જનસંપર્ક સભા ડીસીપી-ઝોન-૧ હેઠળના પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો માટે બોલાવી છે.જેમાં સયાજીગંજ, ફતેગંજ,ગોરવા,નંદેસરી,છાણી,જવાહરનગર અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે,વ્યાજખોરોનો ભોગ બનેલા આ વિસ્તારના લોકોને તા.૨૭મીએ સાંજે પાંચ વાગે સરદાર પટેલ સભાગૃહ,નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવે,લાલબાગ ખાતે કોઇ પણ ભય વગર રજૂઆત કરી શકશે.ત્યારબાદ બીજા પણ પોલીસસ્ટેશનોના વિસ્તારમાં આવી સભા કરવામાં આવનાર છે.