બિલકિસબાનુ કેસના ચુકાદા બાદ રણધીકપુર તેમજ દેવગઢબારિયા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
૧૧ દોષિતોના ઘેર ગમગીનીનો માહોલ
દેવગઢબારિયા, લીમખેડા તા.૮ દાહોદ જિલ્લાના (સિંગવડ)રણધીકપુર ગામની ૧૧ વ્યક્તિઓને ચકચારભર્યા બિલકિસબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી જેલમાં મોકલવાનો હુકમ કરતાં રણધીકપુર સિંગવડ તાલુકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સુપ્રીમના ચુકાદાને પગલે બિલકિસબાનુના સંબંધીઓએ ઘર પાસે ફટાકડા ફોડયા હતા જ્યારે આરોપીના ઘર પાસે સન્નાટો છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે બિલકિસબાનુ કેસમાં સિંગવડ રણધીકપુર ગામની ૧૧ વ્યક્તિઓને મુંબઇની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી તા.૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ ઉંમરકેદની સજા જ્યારે એકને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આજીવન કેદની સજા પામેલા આરોપીઓએ મુંબઇ હાઇકોર્ટમાં શરણું લીધું હતું પરંતુ વર્ષ-૨૦૧૭માં હાઇકોર્ટે પણ આરોપીઓની સજા યથાવત રાખી હતી. લાંબા સમયથી જેલમાં બંધ ૧૧ આરોપીઓને આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૃપે ગુજરાત સરકારે મુક્ત કર્યા હતાં.
ગુજરાત સરકારના આ નિર્ણય સામે બિલકિસબાનું સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં સુપ્રીમે તમામનો જેલવાસ યથાવત રાખ્યો હતો અને બે સપ્તાહમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું. આ ચુકાદાના પગલે દાહોદ જિલ્લા પોલીસે રણધીકપુરમાં આરોપીઓના ઘર પાસે તેમજ બિલકિસબાનુંના દેવગઢબારિયા ખાતેના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ચુકાદાના પગલે દેવગઢબારિયાના રહીમાબાદ કોલોનીમાં જ્યાં બિલકિસબાનુ તેમજ પરિવારના સભ્યો રહે છે ત્યાં ફટાકડા ફોડી કોર્ટના હુકમને વધાવાયો હતો. મહત્વની બાબત એ છે કે બિલકિસબાનું તેમજ પરિવારના સભ્યો અજ્ઞાાત સ્થળે છે.
રણધીકપુર તેમજ દેવગઢબારિયામાં વર્ષ-૨૦૦૨ના આ બનાવને ભૂલી જઇ લોકો કોમી એખલાસના વાતાવરણમાં દિવસો પસાર કરી રહ્યા છે અને શાંતિનું વાતાવરણ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આરોપીઓના સ્વજનોએ કશુ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.