ચોર..ચોર..ની બૂમો પડી રહી છે ત્યારે પોલીસ કહે છે કે,અફવા ફેલાવી લોકોને ભયભીત કરતા તત્વોથી સાવધ રહો
વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ચોર..ચોર..ની બૂમો પડતી હોવાના અને અનેક વિસ્તારોમાં લોકો મારક હથિયારો વડે પહેરો ભરતા હોવાના બનાવો વચ્ચે પોલીસે કહ્યું છે કે,કેટલાક તત્વો લોકોને ભયભીત કરવા માટે આવી અફવા ફેલાવી રહ્યા છે.
શહેરના વાઘોડિયારોડ,ગાજરાવાડી, હરણી,કોયલી,મકરપુરા,અકોટા,જવાહર નગર,મનસુરી કબ્રસ્તાન,બાપોદ,તરસાલી, મકરપુરા જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રે ચોર આવ્યા છે..તેવી બૂમો પડી રહી છે અને લોકોના ટોળાં મારક હથિયારો સાથે બહાર આવી રહ્યા છે.
આવા સમયે વડોદરા પોલીસે એક અખબારી યાદી બહાર પાડી કહ્યું છે કે, તમામ વિસ્તારોમાં પોલીસનું આખી રાત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.શહેરના દરેક એન્ટ્રી પોઇન્ટ પર પણ પોલીસ હાજર હોય છે અને સીસીટીવી કેમેરા થી પણ નીગરાણી રાખવામાં આવી રહી છે.કેટલાક તત્વો આવી અફવા ફેલાવી લોકોને ભયભીત કરી રહ્યા છે.જેને કારણે ક્યારેક ગરીબ શ્રમજીવી,ભિખારી કે અન્ય કોઇ રાહદારી પર હુમલો કરવામાં આવી શકે છે.લોકોએ આવા બનાવમાં કાયદો હાથમાં લીધા વગર પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરવી જોઇએ.