સ્માર્ટ સિટીના લાખોના ખર્ચે બનેલા લેકઝોનમાં પુરતા કેમેરા નથી,ફોટા-વીડિયાે આપવા પોલીસની જાહેર અપીલ
વડોદરાઃ સમગ્ર વડોદરા શહેરને સીસીટીવી કેમેરામાં આવરી લેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હરણીના લાખોને ખર્ચે ડેવલપ કરાયેલા લેકઝોનમાં પુરતા કેમેરા નહિં હોવાથી બનાવના ફૂટેજ કે વીડિયો માટે પોલીસને લોકોની મદદ માંગવી પડી છે.
વડોદરાને સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવામાં આવ્યું છે અને સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પરંતુ લાખોને ખર્ચે બનાવેલા હરણી લેકઝોન ખાતે પુરતા કેમેરા જ નથી.જેને કારણે પોલીસ માટે મુશ્કેલી વધી છે.
કેમેરાને અભાવે બાળકોની બોટ કેવી રીતે પલટી,તે પહેલાં શું સ્થિતિ હતી,બોટના ઓપરેટરો કેટલા સમયથી આવી બેદરકારી રાખી કામ કરતા હતા જેવા મુદ્દા પોલીસ માટે મહત્વના બન્યા છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે આ બનાવમાં જે લોકોએ ફોટા કે વીડિયો લીધા હોય તો પોલીસને આપવા માટે અપીલ કરી છે અને આવા લોકોના નામો ગુપ્ત રહેશે તેમ કહ્યું છે.