પોલીસ અને આર.ટી.ઓ. ની જાણ બહાર જ ભંગારમાં ખરીદેલા વાહનો તોડી નાંખ્યા
અજબડી મિલ વિસ્તારના સ્ક્રેપના બે વેપારી સામે ગુનો દાખલ : એન્જિન, બેટરી સહિત ૪૩ હજારનો મુદ્દામાલ કબજે
વડોદરા,આર.ટી.ઓ. અને પોલીસને જાણ કર્યા સિવાય વાહનો સ્ક્રેપ કરી નાંખનાર અજબડી મિલના સ્ક્રેપના બે વેપારી સામે સિટિ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી એન્જિન, બેટરી અને ગેસ સિલિન્ડર મળી ૪૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સિટિ પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક સ્ક્રેપના વેપારીઓ પોલીસ સ્ટેશનની જાણ બહાર વાહનો ખરીદી આર.ટી.ઓ.ની પરમિશન વિના સ્ક્રેપ કરે છે. જેથી, પોલીસે અજબડી મિલ રોડ પર આવેલા એસ.મીરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનના માલિક અબ્દુલ ગફુરભાઇ મોમીન(રહે.બોરસલ્લી એપાર્ટમેન્ટ, આજવા રોડ) પાસે લાયસન્સ અને પરમિટની માંગણી કરતા મળી આવ્યા નહતા. તેમણે પોલીસ અને આર.ટી.ઓ.ની પરમિશન લીધા વિના જ એક ટાટા સફારી કાર સ્ક્રેપ કરી હતી. તેની પાસે ખરીદ કરેલા અને સ્ક્રેપ કરેલા વાહનોનું રજિસ્ટર પણ નહતું. જેથી, પોલીસે વાહનનું એન્જિન કબજે લઇ વેપારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અજબડી મિલ પર આવેલ હિન્દ સ્ક્રેપ નામની દુકાનના માલિક મોઇન ઇકબાલભાઇ શેખ ( રહે. યાકુતપુરા) દ્વારા અમદાવાદ પોલીસ વિભાગ પાસેથી હરાજીમાં ૧૨૦ વાહનો ખરીદ કરી સ્ક્રેપ કરી નાંખ્યા હતા. તે વાહનો સ્ક્રેપ કરવા માટે પણ તેઓએ આર.ટી.ઓ.માંથી એન.ઓ.સી. લીધી નહતી. જેથી, પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ટુ વ્હીલરના આઠ એન્જિન, ગેસ સિલિન્ડર તેમજ બેટરી મળી કુલ રૃપિયા ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.