વાઘોડિયા ડભોઇ રીંગ રોડની નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગની તપાસ માટે આર એન્ડ બીને પોલીસે ફરીથી પત્ર લખ્યો
પોલીસે કોર્પોરેશન પાસે માંગેલા નકશા ઉપરાંંત અન્ય દસ્તાવેજો માંગ્યા
વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડની નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસે બીજી વખત આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને તપાસ માટે આવવા પત્ર લખ્યો છે. ટીમ નહીં આવતા તપાસ અટકી પડી છે.
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ આવેલી નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ઇજા થઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સ્કૂલ સંચાલકોની બેદરકારી અંગે કપુરાઇ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. દીવાલની મજબૂતાઇ તથા સ્ટ્રક્ચની તપાસ માટે પોલીસ દ્વારા આર એન્ડ બી ડિપાટેમેન્ટને પત્ર લખી ટીમ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ, હજી સુધી ટીમ નહીં આવતા પોલીસે બીજી વખત રિમાઇન્ડર લેટર મોકલ્યો છે. આર એન્ડ બી ની ટીમ નહીં આવતા પોલીસની તપાસ અટકી પડી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ ૨૦૧૬ માં સ્કૂલમાં રિનોવેશન થયું હતું. જોકે, આખી બિલ્ડિંગ નહીં પણ જ્યાં પોપડા ખરતા હોય ત્યાં જ રિપેરીંગ કામ થયું હતું. જે દીવાલ ધરાશાયી થઇ તેનું ક્યારેય સમારકામ થયું નહતું. આ ઉપરાંત પોલીસે કોર્પોરેશન પાસે નકશા ઉપરાંતના અન્ય દસ્તાવેજોની પણ માંગણી કરી છે.