ત્રણ સ્પા એન્ડ મસાજ સેન્ટરોના મહિલા સંચાલકો સામે કાર્યવાહી
મકરપુરાના બે તેમજ વાઘોડિયારોડના એક સ્પા એન્ડ મસાજ સેન્ટર સામે જાહેરનામા ભંગનો ગુનો
વડોદરા, તા.18 વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્પા એન્ડ મસાજ સેન્ટરોમાં કામ કરતાં પરપ્રાંતિયોની વિગતો જાહેર નહી કરતાં સંચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે મકરપુરા અને વાઘોડિયારોડ વિસ્તારમાં ત્રણ સ્પા એન્ડ મસાજ સેન્ટરના મહિલા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના મકરપુરારોડ પર આવેલ હનુમાનજી મંદિર સામે રોયલ વિંગ્સ કોમ્પ્લેક્સમાં પહેલા માળે આવેલ ધ સેનસેસ સ્પામાં તપાસ હાથ ધરતાં ત્યાં કામ કરતા પરપ્રાંતિય કર્મચારીઓ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઇ માહિતી નહી આપી હોવાથી આ અંગે સ્પાની માલિક રિતુ લક્ષ્મીકાંત પંડિત (રહે.શ્રીલક્ષ્મીનારાયણ સોસાયટી, માણેજા) સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ જ કોમ્પ્લેક્સના બીજા માળે વન કે સલુન અને સ્પામાં પણ તપાસ કરતાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાતા સ્પાની માલિક ગીતા સાહુ (રહે.સરોજની બિલ્ડિંગ, આજવારોડ)ની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
શહેરના વાઘોડિયારોડ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તા પાસે પંચરત્ન સોસાયટીના મકાનના પહેલા માળે વાઇટ ફેધર બ્યૂટી સ્પા એન્ડ મસાજ સેન્ટરમાં પાણીગેટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતાં પાર્લરમાં કામ કરતાં કર્મચારીઓ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરી હોવાનું જણાયું હતું. આ અંગે પોલીસે સંચાલક કસીસ ઉર્ફે શકીના સુભાષ કોટીયાન (રહે.દિયા એપાર્ટમેન્ટ, નાલાસોપારા વેસ્ટ, પાલઘર, મહારાષ્ટ્ર, હાલ ફતેગંજ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.