વીસીની નિયુક્તિના વિવાદમાં વડાપ્રધાન કાર્યાલયનો ગુજરાત સરકારને કાર્યવાહીનો આદેશ
વડોદરાઃ યુનિ.ના પ્રોફેસર સતીશ પાઠકે વીસીની ખોટી રીતે નિમણૂક થઈ હોવાની રજૂઆત વડાપ્રધાન કાર્યાલયમાં કરી હતી
એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે ડો.વિજય શ્રીવાસ્તવની નિયુક્તિના મુદ્દે હવે વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ ગુજરાત સરકારને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવતા યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે ડો.શ્રીવાસ્તવ પાસે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ નહીં હોવાનુ કારણ આપીને ડો.શ્રીવાસ્તવને વીસી પદેથી હટાવવા માટે યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતીશ પાઠકે વડાપ્રધાન કાર્યાલયમાં વારંવાર રજૂઆત કરી હતી.હવે કાર્યાલયના સેક્શન ઓફિસર માધવ કુમાર સિંઘ દ્વારા ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને એક પત્ર પાઠવીને પ્રો.પાઠકે તા.૧૪ જુલાઈના રોજ કરેલી રજૂઆતના સંદર્ભમાં કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સાથે સાથે સરકાર દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે તેની જાણકારી પ્રો.પાઠકને આપવા માટે પણ જણઆવવામાં આવ્યું છે.
ડો.શ્રીવાસ્તવની સામે છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી લડત ચલાવી રહેલા પ્રો.પાઠકે હાલમાં હાઈકોર્ટમાં પણ પિટિશન કરેલી છે અને તેની સુનાવણી ચાલી રહી છે.આ સિવાય તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ડો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલર પદેથી હટાવવા માટે ચાર વખત રજૂઆત કરેલી છે.જોકે પહેલી વખત વડાપ્રધાન કાર્યાલયે તેમની રજૂઆત પર પ્રતિભાવ આપ્યો છે.હવે ગુજરાત સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર અધ્યાપક આલમની નજર છે.