વડોદરામાં સિધ્ધનાથ, કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવની દુર્દશા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વડોદરામાં સિધ્ધનાથ, કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવની દુર્દશા 1 - image


- તળાવના પાણી ઉપર લીલની ચાદર છવાઈ ગઈ છે

- કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ અંગે ધ્યાન અપાતું નથી 

- કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવમાં ખુલ્લેઆમ ગટરના પાણી છોડવામાં આવે છે

વડોદરા,તા.12 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરાના વોર્ડ નંબર 13 વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ તળાવ ઐતિહાસિક સિધ્ધનાથ, કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવની હાલત ખૂબ જ ખરાબ છે. આ તળાવમાં સફાઈના વાંકે ગંદકીના થર જામ્યા છે પાણી ઉપર લીલ જામી ગઈ છે, અને સફાઈ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. કાશી વિશ્વનાથ તળાવની અંદર ડ્રેનેજના પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે, અને વારે ઘડીએ તળાવનું લેવલ પણ ગંદા પાણીને લીધે ભરાઈ જાય છે. અહીં ગટરના પાણી છોડવામાં આવતા હોવાના કારણે જંગલી વનસ્પતિનો ઉપદ્રવ પણ ઝડપથી વકરે છે અને ગંદકી ખૂબ ફેલાતી રહે છે. એવું જ લાલબાગ તળાવનું છે. લાલબાગ તળાવમાં પણ ગટરના પાણી ભરાતા હોવાથી ત્યાં પણ જંગલી વનસ્પતિનો ઉપદ્રવ અને લીલ જામી ગઈ છે.

આ અંગે કોર્પોરેશનની સભામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર નું કહેવું છે. તેઓ વધુમાં કહે છે કે લાલબાગ તળાવ ભલે ખાનગી જગ્યામાં હોય પરંતુ તેમાં જામેલી સફાઈ કરવા માટે કોર્પોરેશન નું તંત્ર સક્રિય પણે કામ કરી શકે તેમ છે. શહેરની મધ્યમાં આવેલ સિધ્ધનાથ તળાવની વડોદરા કોર્પોરેશન દ્વારા સાત કરોડના રૂપિયા બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા ઉપેક્ષા રાખવામાં આવતા તેનો ભોગ સિધ્ધનાથ તળાવ બની રહ્યું છે. વારંવાર આ તળાવની લાઈટો બંધ થઈ જાય છે. પાણી લીલા કલરની ચાદરમાં ફેરવાઈ ગયેલ છે. ઠેર-ઠેર વોકિંગ ટ્રેક પર જંગલી ઘાસ ઉગી નીકળેલ છે. આ ત્રણે તળાવમાં ગંદકી જામેલી હોવાથી આસપાસના વિસ્તારો પણ ગંદકીના ઉપદ્રવનો ત્રાસ ભોગવી રહ્યા છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા જલ્દી આ ત્રણે તળાવની સફાઈ હાથ ધરવી જોઈએ અને ગટરના પાણી ઠલવાતા બંધ કરી દેવા તેમણે માગણી કરી હતી.


Google NewsGoogle News