બરોડા મેડિકલ કોલેજને ૭૫ વર્ષ પૂરા થતા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન
દેશ વિદેશમાંથી એક હજાર ઉપરાંત ડોક્ટર્સ હાજર રહેશે
વડોદરા,બરોડા મેડિકલ કોલેજને ૭૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે. તે પ્રસંગે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઇ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી રહી છે.
બરોડા મેડિકલ કોલેજ તા. ૧૬ - ૦૬ - ૧૯૪૯ ના રોજ કોલેજ શરૃ કરવામાં આવી હતી. હોસ્પિટલે ૭૫ વર્ષમાં ૧૦ હજાર ડોક્ટર્સ તૈયાર કર્યા છે. તે પૈકી ૭,૫૦૦ ડોક્ટર્સ દેશમાં, ૨,૨૦૦ યુ.એસ.માં તથા ૩૦ ડોક્ટર્સ અન્ય દેશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તા. ૫, ૬ અને ૭ દરમિયાન વિવિધ કાર્યક્રમોની સાથે પ્લેટિનમ જ્યુબિલી વર્ષની ઉજવણી શરૃ કરવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન નોલેજ એક્સચેન્જના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સિનિયર ડોક્ટર્સ મેડિકલ કોલેજમાં રિસર્ચ અંગે માહિતી આપશે. કેરિયર તક અંગેના સેમિનારનું સંચાલન આઇ.આઇ.એમ. અમદાવાદના પ્રોફેસર તેમજ બરોડા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.રાજેશ ચંદવાની કરશે. ડોક્ટરો માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ, મેન્ટલ હેલ્થ અંગેનો સેમિનાર પણ યોજાશે.
સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સાથે ભૂતપૂર્વ શિક્ષકોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સન્માનનીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લીજેન્ડ ઓફ બી.એમ.સી. અને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ વિશે સેમિનારમાં માહિતી આપશે. આ ઉપરાંત ગરબા અને બોલીવુડના ગાયનોનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે.