વડોદરામાં પર્યાવરણને જોખમી કોનો કોર્પસ વૃક્ષ કાઢી નાખ્યા બાદ લીમડાનું વૃક્ષારોપણ
- વડોદરાના પૂર્વ વિસ્તારમાં એક રોડ પર સિનિયર સિટીઝનોના ગ્રુપે 25 લીમડા વાવ્યા
વડોદરા,તા.9 ઓગષ્ટ 2023,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે કોનો કોર્પસ નામના વૃક્ષો કે જે જોખમી છે તેવા નિષ્ણાતોના મતના આધારે હવે આ વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે અઢી હજારથી વધુ વૃક્ષ કાપવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડભોઇ દશા લાડ થી એકતાનગર સુધીના રોડ પર વાવેલા આ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા બાદ પર્યાવરણ પ્રેમી એવા સિનિયર સિટીઝનોના એક ગ્રુપ દ્વારા કોનો કોર્પસની જગ્યાએ લીમડાનું વૃક્ષારોપણ કર્યું છે. આવા 25 લીમડાના ઝાડ વાવવામાં આવ્યા છે, અને હજુ કામગીરી ચાલુ છે.
સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા મુજબ કોનો કોર્પસ વૃક્ષ કાઢી નાખ્યા બાદ કોર્પોરેશન ફૂલછોડ સહિતના અન્ય વૃક્ષો વાવવા માંગે છે, અને આ માટે જો કોઈ પર્યાવરણ પ્રેમી સિનિયર સિટીઝનોના ગ્રુપ અથવા તો સામાજિક સંસ્થાઓ આ પ્રકારનું સ્વેચ્છિક વૃક્ષારોપણ કરવા માગતા હોય તો તે સારી બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા છ વર્ષ અગાઉ મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશથી આવા આશરે 20,000 થી વધુ આ વૃક્ષના છોડ લાવવામાં આવ્યા હતા, અને વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષોને કારણે જમીનમાં તેના મૂળ ઊંડા ઉતરે છે, અને કોર્પોરેશનની જુદી જુદી લાઈનોને નુકસાન કરે છે. જમીનમાંથી વધુ પાણી ખેંચે છે. ઓક્સિજનને બદલે કાર્બન ડાયોક્સાઇડ આપે છે. પર્યાવરણ અને સ્વાસ્થ્યને જોખમી હોવાથી તેને કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.