આણંદમાં દરિયાકાંઠે 16 હજાર હેક્ટરમાં ચેરના વૃક્ષોનું વાવેતર
આજે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ
વર્ષે ૫ થી ૭ ટકા રિજનરેસન થતા મેન્ગ્રૌવનું જિલ્લામાં ચાલુ વર્ષે ૬૦૦ હેક્ટરમાં વાવેતર કરાશે
આણંદ: દરિયા કાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા, તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમુલ્યતા સમજાવવા વર્ષ-૨૦૧૫થી દર વર્ષે ૨૬મી જુલાઇના રોજ ઇન્ટરનેશનલ-ડે ફોર ધી કંઝરવેસન ઓફ ધી મેન્ગ્રૌવ ઇકો સિસ્ટમ એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના કુલ જંગલોના માત્ર ૦.૪ ટકા વિસ્તારમાં આવેલા, દરિયા કાંઠાના આ સંરક્ષક જંગલો જળ વાયુ પરિવર્તન અટકાવવામાં ખૂબ ઉપયોગી છે એવો નિષ્ણાતોનો મત છે.
આણંદ અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ચેર જોવા મળે છે અને ઉછેરના પ્રોજેક્ટ ગ્રામ્ય કક્ષાઓએ સમિતિઓ બનાવી અમલમાં મુકવામાં આવ્યા છે. આણંદના નાયબ વન સંરક્ષક નમ્રતા ઇટાલિયને જણાવ્યું કે, આણંદના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચેરનો ઉછેર હાથ ધરવામાં આવ્યો છે. વન વિભાગે છેલ્લા ઘણાં વર્ષોથી ચેર ઉછેર અને સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકી છે. જેના સારા પરિણામો મળ્યાં છે અને આ કામમાં લોક ભાગીદારી જોડી શકાઇ છે. આણંદ જિલ્લામાં આ વર્ષે ૬૦૦ હેક્ટર વિસ્તારમાં ચેરના વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધી દરિયાકાંઠે અંદાજે ૧૬ હજારથી વધુ હેક્ટરમાં ચેરના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત નર્સરીમાં ત્રણ લાખ રોપાઓ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ચેરનાં વૃક્ષોનું મહત્તમ વાવેતર કરવામાં આવ્યું છે.દરિયા કાંઠાના પાણીમાં ઓટલા બેડ બનાવીને ચેર ઉછેરવામાં આવે છે. આ ઉછરેલા ચેરના બીજ ઓટના જળ પ્રવાહની સાથે દરિયામાં જાય છે. એટલે દરિયા તરફ નવા વૃક્ષો આપો આપ ઊગે છે અને વધે છે. એવો અંદાજ છે કે, દર વર્ષે ૫થી ૭ ટકા રિજનરેસન થાય છે. એટલે ચેરના વાવેતર, ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે.ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત ચેર જંગલોની સારી એવી સંપદા ધરાવે છે. ગુજરાતમાં કચ્છમાં તે સહુથી વધુ પ્રમાણમાં છે.