ચેરિટી કમિશનર કચેરીની 121 વર્ષ જૂની હેરિટેજ ઇમારત તોડી પાડવા તખ્તો તૈયાર

મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ તૃતિયએ ઉચ્ચ અધિકારીઓના રહેવા માટે આ બંગલો બનાવ્યો હતો

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ચેરિટી કમિશનર કચેરીની 121 વર્ષ જૂની હેરિટેજ ઇમારત તોડી પાડવા તખ્તો તૈયાર 1 - image


વડોદરા : પોલો ગ્રાઉન્ડ પાછળ ચેરિટી કમિશનર ઓફિસ જ્યાંથી ચાલે છે તે ૧૨૧ વર્ષ જુના ઐતિહાસિક અને હેરિટેજ બંગલો 'પુષ્પકુટ'ને તોડી પાડીને ત્યાં નવી બિલ્ડિંગ બનાવવાનો પ્લાન ઘડાઇ ગયો છે. કોઇને સહેજ પણ અણસાર ના આવે તે રીતે શહેરના આ અદ્ભૂત સ્થાપત્ય વારસાને તોડવાની યોજના બનાવી દેવામાં આવી છે અને એક સપ્તાહમાં તેનો અમલ પણ કરી દેવામા આવશે.

'પુષ્પકુટ' નામથી ઓળખાતા આ  બંગલોમાં મહારાજા સયાજીરાવના એડીસી ઉપરાંત ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન વિજય હઝારે પણ રહેતા હતા


'પુષ્પકુટ' બંગલાની બાજુમાં જ 'પદ્મકુટ' બંગલોમાં રહેતા શ્રીમંત જિતેન્દ્રસિંહ ગાયવાડે 'પુષ્પકુટ'ના ઇતિહાસ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મહારાજા સયાજીરાવ તૃતિયએ તેમના એ.ડી.સી.(એઇડ ડી કેમ્પ) એટલે કે હાઇ રેન્ક અધિકારીઓ, પર્સનલ આસિસ્ટન્ટ અને સેક્રેટરીઓના નિવાસ સ્થાન માટે જે ભવ્ય બંગલા તૈયાર કરાવ્યા હતા તેમાંથી 'પુષ્પકુટ' એક છે. ૧૯૦૨માં આ બંગલો બનીને તૈયાર થયો હતો જેમાં એડીસી મેજર ગુપ્તે, એડીસી કર્નલ પ્રધાન સહિતના મહાનુભાવો રહેતા હતા. ૧૯૪૦ થી ૧૯૭૬ દરમિયાન મહારાજા પ્રતાપસિંહ મહારાજના એડીસી અને ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન વિજય હઝારે અહી જ રહેતા હતા. 

ચેરિટી કમિશનર કચેરીની 121 વર્ષ જૂની હેરિટેજ ઇમારત તોડી પાડવા તખ્તો તૈયાર 2 - image

જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ ૧૯૭૬માં સરકારે આ બંગલો ગાયકવાડ પરિવાર પાસેથી લઇ લીધો અને ત્યારથી અહી સરકારી કચેરી ચાલે છે. 'પુષ્પકુટ' બંગલો માં ૧૮૦૦૦ ચોરસ ફુટનો પ્લોટ છે જેમાં વચ્ચે ૨૦,૦૦૦ ચો.ફૂ.ની ત્રણ માળની ઇમારત છે. બ્રિટીશ કોલોનિયલ સ્ટાઇલના આ બંગલાની હેરિટેજ વેલ્યુ બેજોડ છે. ૧૨૧ વર્ષ જુનો હોવાથી તે આપોઆપ હેરિટેજ બની જાય છે. તંત્રનું કહેવું છે કે બંગલો ખંડેર થઇ ગયો છે એટલે તોડી નાખવામાં આવશે. આ વાત સદંતર ખોટી છે હજુ પણ ૨૦૦ વર્ષ સુધી આ બંગલાને કશુ થાય તેમ નથી ફક્ત તેને મેઇન્ટેઇન કરવાની જરૃર છે.'

લક્ષ્મીવિલાસ પેલેસની દીવાલ, નઝરબાગ પેલેસ, શાંતાદેવી હોસ્પિટલ બાદ હવે પુષ્પકુટનો વારો

વિશ્વભરમાં દરેક શહેરને તેના વારસા ઉપર અત્યંત ગૌરવ હોય છે અને એટલે જ વારસાને સાચવી રાખવા અને ભૂતકાળની જીવંત આકૃતિ સમી સ્થાપત્ય કળાને ભવિષ્યની પેઢી માટે બચાવી રાખવા પુરતા પ્રયત્નો કરતા હોય છે પરંતુ વડોદરા એક એવુ શહેર છે જે તેના વારસાને ભુંસી નાખવા માટે તત્પર હોય છે. કહેવાય છે કલાનગરી પરંતુ કલા-સ્થાપત્યના વારસાને સાચવી રાખવાની સામાન્ય સમજ આ વડોદરાના શાસકોમા નથી.  

ભદ્ર કચેરી બિલ્ડિંગ પછી લાલકોર્ટ અને ન્યાય મંદિર બિલ્ડિંગ ખંડેર બનવાની રાહ જોઇ રહ્યા છે

અગાઉ લક્ષ્મીવિલાસ પેલેસની હેરિટેજ દિવાલ- લોખંડની ગ્રીલ તોડી નાખવામા આવી પછી નઝરબાગ પેલેસ તોડીને કોમર્શિયલ કોમ્પલેક્સ બનાવી દેવાયુ, જે બાદ મહારાણી શાંતાદેવી હોસ્પિટલના ઐતિહાસીક અને હેરિટેજ બિલ્ડિંગને તોડીને ત્યાં મોલ બનાવી દેવાયો. ૪૦૦ વર્ષ જુની ભદ્ર કચેરી બિલ્ડિંગ ખંડેર બની ગઇ, લાલકોર્ટ અને ન્યાય મંદિર બિલ્ડિંગ ખંડેર બનવાની રાહ જોઇ રહ્યા છે.

અન્ય શહેરોની જેમ વડોદરામાં હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જ નથી

'અમદાવાદ અને બીજા શહેરોમાં જે રીતે સ્થાપત્ય વારસાને (હેરિટેજ બિલ્ડિંગ્સ)ને સાચવવા અને સુરક્ષા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવામાં આવી છે તેવી કમિટી વડોદરામા નથી બની. આ કમિટી બનાવવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે.'

'નઝરબાગ પેલેસ તૂટયો ત્યારથી એટલે કે વર્ષ ૨૦૧૫થી અમે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી બનાવવાની માગ કરી રહ્યા છીએ. આ કમિટીનું કામ શહેરમ આવેલી હેરિટેજ બિલ્ડિંગોને નેટોફાઇ નોટિફાઇ કરીને તેને હેરિટેજ જાહેર કરવાનું હોય છે. કમિટીએ જાહેર કરેલી હેરિટેજ બિલ્ડિંગ તોડી શકાય નહી તેવા સરકારના નિયમો છે પરંતુ વડોદરામા કમિટી જ નથી એટલે હેરિટેજ બિલ્ડિંગ તૂટયા કરે છે અને તેને કાયદાયીક રીતે રોકવી ત્યા સુધી શક્ય નથી જ્યા સુધી વડોદરાની હેરિટેજ કન્જર્વેશન કમિટી બને અને આ કમિટી હેરિટેજ બિલ્ડિંગોનું રજિસ્ટ્રેશન કરાવે.' તેમ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજના ગુજરાત સ્ટેટ કન્વિનર સંજીવ જોષીએ કહ્યું હતું.


Google NewsGoogle News