મકરપુરામાં મકાનના દસ્તાવેજ બાબતે તકરાર થતા પાઇપથી હુમલો
સિનિયર સિટિઝન સહિત બે ને ઇજા : બંને પક્ષની સામસામે ફરિયાદ
વડોદરા,મકરપુરામાં મકાનના દસ્તાવેજ બાબતે તકરાર થતા સિનિયર સિટિઝન અને તેમના મિત્રના પુત્ર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા એસ.ટી.ડેપો પાછળ જય જલારામ નગરમાં રહેતા ૬૫ વર્ષના હરિસીંગ જ્ઞાાનસીંગ ચૌહાણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૪ મી એ સવારે આઠ વાગ્યે મારા મિત્ર દિલુભા પરમાર ( રહે. નંદનધામ સોસાયટી, મકરપુરા) ના પુત્ર પરાક્રમસિંહે કોલ કરીને બોલાવતા હું તેઓના ઘરે ગયો હતો. તેણે મને કહ્યું કે, આ ઘર અમારે વેચવાનું છે. તેનો દસ્તાવેજ તમારા ઘરે છે, તે આપી દો. મેં તેને જવાબ આપ્યો હતો કે, તારા પિતાને પૂછી લે દસ્તાવેજ મારા ઘરે નથી. તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ઘરમાંથી લોખંડની પાઇપ લઇ આવી મારા પર હુમલો કર્યો હતો. મને જાનથી મારી નાંખવાની ધમકી આપી તે ત્યાંથી ભાગી ગયો હતો. હુમલામાં મારા ડાબા હાથે અંગુઠા પર ફ્રેક્ચર થયું હતું.
જ્યારે સામા પક્ષે પરાક્રમસિંહે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મંજુસર ખાતે વિરલ શોર્ટ બ્લાસ્ટિંગ નામની કંપની ચલાવી સ્ક્રેપનો ધંધો કરૃ છું. ગઇકાલે સવારે સાડા આઠ વાગ્યે મારા પિતાના મિત્ર હરિસીંગને કોલ કરીને મકાનનો દસ્તાવેજ માંગતા તેઓએ કહ્યું કે, હું તારા ઘરે દસ્તાવેજ આપવા આવું છું. મારા ઘરે આવી તેમણે કહ્યું કે, દસ્તાવેજ મારા પાસે નથી. તેમણે પાઇપથી મારા પર હુમલો કર્યો હતો. હરિસીંગને મારો ધક્કો વાગતા તેઓ નીચે પડી ગયા હતા.