આજવા રોડ પર પાર્કિંગની તકરારમાં પાઇપ અને ડંડાથી હુમલો
બંને ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ : સામસામે ફરિયાદ નોંધાઇ
વડોદરા,આજવારોડ રાજયોગ રેસિડેન્સીમાં પાર્કિંગના ઝઘડા બાબતે મારામારી થતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.
આજવા રોડ રાજયોગ રેસિડેન્સીમાં રહેતા કમલેશભાઇ બાલુભાઇ પ્રજાપતિ પાસે ચોકલેટની એજન્સી છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે નવ વાગ્યે પાણીની મોટર ચાલુ કરવાની હોય હું અમારી સોસાયટીમાં નીચે પાર્કિંગમાં આવેલ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયો હતો. તે દરમિયાન અમારી બાજુમાં એ ટાવરમાં રહેતા મિટ્ટુ સંજીવા માલીગર મારી પાસે આવ્યા હતા. અમારી રાજયોગ રેસિડેન્સીમાં છેલ્લા ચાર દિવસથી પાર્કિંગ બાબતે થતા ઝઘડા અંગે બોલાચાલી કરવા લાગ્યા હતા કે, ગઇકાલે તારી પત્નીનો વારો હતો અને આજે તારો વારો છે. હું તેઓને સમજાવવા જતા મને ગાળો બોલી લોખંડની પાઇપ જેવી વસ્તુથી મારા માથાની ડાબી બાજુ ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ મિટ્ટુ તેના ટાવરમાં જતો રહ્યો હતો.
જ્યારે સામા પક્ષે મિટ્ટુએ કમલેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પાર્કિંગ બાબતના ઝઘડાના કારણે કમલેશે મારા પર ડંડા વડે હુમલો કર્યો હતો. મકરપુરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.