એફ.આઇ.આર.લીધા વિના રિમાન્ડ લેવા ગયેલા બાપોદ પી.આઇ.ની ઝાટકણી
કેસ ડાયરી પણ ઓપન રાખી હતી : છેતરપિંડીના કેસમાં પોલીસની ભૂમિકા અંગે શંકા
વડોદરા,છેતરપિંડીના કેસમાં આરોપીઓના રિમાન્ડ લેવા માટે ગયેલા બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. એફ.આઇ.આર.લીધા વગર જ કોર્ટમાં પહોંચી ગયા હતા. તેમજ કેસ ડાયરી પણ ઓપન રાખી હતી. જે અંગે તેમની ઝાટકણી કાઢવામાં આવી હતી. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. બાપોદ પોલીસની આવી ગંભીર નિષ્કાળજીના કારણે તપાસને નુકસાન થવાની શક્યતા છે.
આજવા રોડ તક્ષ આંગણમાં રહેતા મીન્ટુ આદરામ ચૌધરીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૦ વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરૃં છું.રાજકોટના માલીયાસણ ગામે રાજકોટ - અમદાવાદ નેશનલ હાઇવે પર હરિયાણા કીંગ રોડ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ કંપની સુરેશ રામકુમાર મહલા ચલાવે છે. તેઓને મેં ત્રણ ગાડી ભાડે ફેરવવા માટે આપી હતી. ભાડા કરાર પાછળથી કરવાનું કહીને તેઓએ વેચાણ કરાર કરી લીધો હતો. થોડા સમય સુધી ભાડાના રૃપિયા આપ્યા પછી રૃપિયા ચૂકવવાનું બંધ કરી દીધું હતું. બાકીના રૃપિયાની માંગણી કરતા તેઓ ધમકી આપે છે.
આ કેસની તપાસ બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. પાર્થ પસ્તગીયા કરી રહ્યા છે. આરોપીની ધરપકડ કર્યા પછી આજે તેઓ રિમાન્ડ લેવા માટે કોર્ટમાં ગયા હતા.વકીલે જણાવ્યું હતું કે, તપાસ અધિકારીએ રિમાન્ડ અરજી સાથે એફ.આઇ.આર. મૂકી નહતી તેમજ કેસ ડાયરી પણ ઓપન રાખી હતી. જે અંગે તેમની ઝાટકણી કાઢવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે, આ કેસમાં ગાડી ભાડે આપી, વેચાણ આપી અને હવે રિમાન્ડ અરજીમાં ગાડી સ્ક્રેપમાં આપી હોવાનો ઉલ્લેખ છે. અમારી પાસે ભાડા કરાર છે. તેઓએ ભાડા કરાર રજૂ કર્યો નથી.
પી.આઇ.ને એ પણ ખબર નથી કે, એફ.આઇ.આર. ક્યારે દાખલ થઇ
વડોદરા,આ અંગે બાપોદ પી.આઇ. પસ્તગીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમે રિમાન્ડ અરજી મૂકી હતી. પરંતુ, એફ.આઇ.આર. પોલીસ સ્ટેશનમાં હોય. પી.આઇ. ને એટલી પણ ખબર નથી કે, ગુનો દાખલ થયાના ૨૪ કલાકમાં એફ.આઇ.આર. કોર્ટમાં મોકલાય છે. રિમાન્ડ અરજી સાથે એફ.આઇ.આર. મૂકવાની હોય છે. તપાસ અધિકારીને એ પણ ખબર નહતી કે, એફ.આઇ.આર. કઇ તારીખે દાખલ થઇ હતી. ખરેખર એફ.આઇ.આર. ૬ ઠ્ઠી તારીખે દાખલ થઇ હતી. પરંતુ, પી.આઇ.નું કહેવું છે કે, એફ.આઇ.આર. ૭ મી તારીખે દાખલ થઇ છે.