નીટ પરીક્ષામાં ફિઝિક્સના ૩૦ ટકા અને કેમેસ્ટ્રીના ૧૫ ટકા સવાલો કસોટી કરે તેવા
વડોદરાઃ વડોદરા શહેરના ૧૨ જેટલા કેન્દ્રો પર ધો.૧૨ સાયન્સના ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આજે નીટની પરીક્ષા આપી હતી.ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે દેશભરમાં આજે નીટ પરીક્ષા લેવાઈ હતી.
વડોદરામાં તમામ કેન્દ્રો પર પરીક્ષાના નિયત સમયના બે કલાક વહેલાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનુ શરુ કરી દેવાયુ હતુ.કાળઝાળ ગરમીમાં બપોરે બે વાગ્યો પરીક્ષા લેવા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો.
દરમિયાન નીટ પરીક્ષાના પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સના કેટલાક પ્રશ્નો વિદ્યાર્થીઓની કસોટી કરે તેવા હતા.બાયોલોજીના પ્રશ્નો અંગે વિષય શિક્ષક કેતન પટેલે કહ્યુ હતુ કે, પાછલા વર્ષ કરતા આ વખતે પેપર સરળ હતુ.પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પાઠય પુસ્તક આધારિત હતા.બાયોલોજીમાં ૫૦ ટકા પ્રશ્નો વિધાન અને જોડકા સ્વરુપે પૂછવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને તે વાંચવામાં અને સમજવામાં સમય લાગ્યો હતો તેના કારણે પેપર લાંબુ લાગ્યુ હતુ.
કેમેસ્ટ્રીના શિક્ષક કમલનયન ભટ્ટે જણાવ્યુ હતુ કે, આ સેક્શનના ૧૫ ટકા પ્રશ્નો ગણતરી આધારિત હતા અને તે વિદ્યાર્થીઓની કસોટી કરી લે તેવા હતા.કાર્બનિક કેેમેસ્ટ્રીને લગતા સવાલો સરળ હતા.જે વિદ્યાર્થીઓએ ધો.૧૧ અને ૧૨ની તૈયારી એનસીઆરટીના પાઠય પુસ્તક પ્રમાણે કરી હશે તેમને આ પેપરમાં કોઈ જાતની તકલીફ નહીં પડી હોય.
જ્યારે ફિઝિક્સના સેક્શન અંગે શિક્ષક સંદીપ ભાઈ તેમજ પવન ભાઈનુ કહેવુ હતુ કે, પેપરમાં ૭૦ ટકા પ્રશ્નો સહેલા તથા ૩૦ ટકા પ્રશ્નો અઘરા હતા.વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન વધારે પ્રેક્ટિસ નહીં કરી હોય તો તેઓ પોતાનુ પેપર પૂરી નહીં કરી શક્યા હોય.