પીએચડી થિસિસ ચકાસણી માટેની પેનલોને વીસીએ વિશેષાધિકાર વાપરીને મંજૂરી આપી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
પીએચડી થિસિસ ચકાસણી માટેની પેનલોને વીસીએ વિશેષાધિકાર વાપરીને મંજૂરી આપી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડીના ૧૧૧ વિદ્યાર્થીઓના થિસિસ તપાસવા માટે પરીક્ષકોની પેનલોને વાઈસ ચાન્સેલરે પોતાનો વિશેષાધિકાર વાપરીને મંજૂરી આપી હોવાની વિગતો સપાટી પર આવી છે.

દોઢ વર્ષ કરતા વધારે સમયથી આ વિદ્યાર્થીઓના થિસિસ ધૂળ ખાતા પડી રહ્યા હતા અને હવે આ વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી મળે તે માટેનો માર્ગ મોકળો થયો છે.

સૂત્રોનુ કહેવુ છે કે ,સિન્ડિકેટ સભ્યો સાથે ચાલી રહેલા મતભેદોના પગલે વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવ સિન્ડિકેટ ની બેઠક બોલાવવા માટે ઈચ્છુક નથી.સિન્ડિકેટની બેઠક બોલાવીને પેનલોને મંજૂરી આપવાની દરખાસ્ત મુકવાની જગ્યાએ વાઈસ ચાન્સેલરે પોતાને યુનિવર્સિટીના કાયદામાં મળેલો વિશેષાધિકાર વાપરવાનુ પસંદ કર્યુ હતુ.પેનલો મંજૂર થયા બાદ હવે પરીક્ષકોને આ થિસિસ ચકાસણી માટે મોકલવાનુ પણ પરીક્ષા વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા પીજી કાઉન્સિલની બેઠક બોલાવવામાં વિલંબના કારણે થિસિસની ચકાસણી અટવાઈ હતી અને મોડે મોડે પીજી કાઉન્સિલમાં આ દરખાસ્ત પસાર થઈ હતી ત્યારે સિન્ડિકેટ સભ્યો સાથેના ગજગ્રાહમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં વિલંબ થઈ રહ્યો હતો.

એવી પણ ચર્ચા છે કે, વિલંબના કારણે પીએચડીના વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી રહી હતી અને આ વિદ્યાર્થીઓ આંદોલન કરવાના મૂડમાં હતા.જોકે પરીક્ષકોની પેનલને મંજૂરી મળી ગઈ છે પણ આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવી શકશે કે કેમ તેને લઈને અનિશ્ચિતતા છે.


Google NewsGoogle News