Get The App

મોટાભાગના લોકોને હેલ્થ સેન્ટરોમાં સારવાર કરાવવા 9 થી 10 કિમી દૂર જવું પડે છે

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
મોટાભાગના  લોકોને હેલ્થ સેન્ટરોમાં સારવાર કરાવવા 9 થી 10 કિમી દૂર જવું પડે છે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં ૫૬૨ ગામડાઓ વચ્ચે માત્ર ૪૨ પ્રાઈમરી હેલ્થ સેન્ટર છે અને તેના કારણે ૯૩ ટકા લોકોને હેલ્થ સેન્ટરમાં સારવાર મેળવવી હોય તો સરેરાશ ૯ થી ૧૦ કિલોમીટર દૂર જવુ પડે છે તેવુ તારણ વડોદરા જિલ્લામાં આરોગ્ય સેવાઓ પૂરી પાડતા હેલ્થ સેન્ટરોના એક અભ્યાસમાં નીકળ્યું છે.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના કો ઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રુરલ સ્ટડીઝ વિભાગમાં આસિસટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અધ્યાપક ડો.ભૂમિત શાહે  પોતાના ગાઈડ અને કોમર્સ ફેકલ્ટીના નિવૃત્ત અધ્યાપક મધૂસુદન પંડયાના માર્ગદર્શન હેઠળ કરેલા પીએચડીના ભાગરુપે વડોદરા જિલ્લાના પ્રાઈમરી હેલ્થ સેન્ટરોનો કેસ સ્ટડી હાથ ધર્યો હતો.તેમણે જિલ્લાના આઠ તાલુકાના ૧૦૭ ગામોનો સર્વે કર્યોહ તો અને ૪૨ પ્રાઈમરી હેલ્થ સેન્ટરોની માહિતી મેળવી હતી.ગ્રામ્ય વિસ્તારના ૬૫૦ લોકોના અભિપ્રાય લીધા હતા.તેમને તાજેતરમાં જ આ સંશોધન માટે પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.

ભૂમિત શાહ કહે છે કે, વડોદરા જિલ્લામાં ગામડાઓની અને વસતીની સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઓછા છે અને તેના કારણે ૯૩ ટકા લોકોએ મને કહ્યુ હતુ કે, જો અમારે સારવાર લેવી હોય તો ૯ થી ૧૦ કિલોમીટરની મુસાફરી તો કરવી જ પડે છે.તેની સાથે સાથે હેલ્થ સેન્ટરોમાં અલગ અલગ રોગના નિષ્ણાત ડોકટરોની સુવિધાઓ મળી રહી નથી.હેલ્થ સેન્ટરોમાં ગાયનેકોલોજિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટ અને ડેન્ટિસ્ટની સારવાર જ ઉપલબ્ધ છે.તેના સિવાય ઓર્થોપેડિક, સ્કિન સ્પેશિયાલિસ્ટ કે અન્ય નિષ્ણાત ડોકટરોની તો સારવાર જ ઉપલબ્ધ નથી.તેમાં પણ માત્ર સાત ટકા લોકો ડેન્ટિસ્ટની અને ૧૯ ટકા લોકો  આઈ સ્પેશિયાલિસ્ટની સારવાર મળતી હોવાનો દાવો કરે છે.માત્ર ગાયનેકોલોજિસ્ટની સારવાર નિયમિત રીતે ઉપલબ્ધ હોવાનુ લોકોનુ કહેવુ છે.

ભૂમિત શાહનુ કહેવુ છે કે, લોકોએ આ અભ્યાસમાં કેટલાક હકારાત્મક પાસાઓ તરફ પણ ધ્યાન દોર્યુ છે.આમ છતા સ્પેશિયાલિસ્ટ ડોકટરોની અછત મહત્વનો મુદ્દો છે.જેના પર તંત્રે ધ્યાન આપવુ જોઈએ.તેની સાથે સાથે આરોગ્ય કેન્દ્રોની સંખ્યા પણ વધારવાની જરુર છે.જેથી અંતરિયાળ વિસ્તારોમાં લોકોને સારવાર માટે દૂર જવાનો વારો ના આવે.

પ્રાઈમરી હેલ્થ સેન્ટરો માટેના હકારાત્મક અભિપ્રાયો 

૯૬ ટકાનુ માનવુ છે કે, હેલ્થ સેન્ટરમાં જઈએ તો સારવાર થાય છે

૯૭ ટકાએ વિના મુલ્યે સારવાર મળતી હોવાનુ સ્વીકાર્યુ 

૯૬ ટકાએ બ્લડ, યુરિન ટેસ્ટની સુવિધા હેલ્થ સેન્ટર પર મળતી હોવાનુ કહ્યુ

૮૮ ટકાએ હેલ્થ સેન્ટરોમાં સફાઈ અને ચોખ્ખાઈ રખાતી હોવાનુ અનુભવ્યુ

૯૦ ટકા લોકોએ કહ્યુ કે, પેરામેડિકલ સ્ટાફ યોગ્ય માર્ગદર્શન અને માહિતી પૂરી પાડે છે

૯૪ ટકા લોકોએ કહ્યુ હતુ કે, હેલ્થ સેન્ટરો પર તમામ પ્રકારના નીતિ નિયમોનુ પાલન થાય છે

ગામડામાં આરોગ્ય સુવિધા સુધારવા માટેના સૂચનો

આઠ થી નવ ગામ વચ્ચે એક હેલ્થ સેન્ટર હોવાથી ટ્રાન્પોર્ટેશનની સુવિધાની જરુર

ગામડાઓમાં મેડિકલ ચેક અપ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન થવુ જોઈએ 

અધ્યાપક ભૂમિત શાહના કહેવા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ  સુધારવા માટે કેટલાક સૂચન પણ કર્યા છે.જેમ કે,

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલ અપનાવવા પર વિચાર કરવો જોઈએ.જેથી ઘણા નિષ્ણાત ડોકટરોની સેવાઓ ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ થઈ શકે

મોટાભાગના લોકોએ મંતવ્ય આપ્યુ હતુ કે, આઠ થી નવ ગામ વચ્ચે એક હેલ્થ સેન્ટર છે અને લોકોને સારવાર માટે મુસાફરી કરવી પડે છે .ઘણા લોકો પાસે ટ્રાન્સપોર્ટેશનની સગવડ નથી હોતી તો સરકાર સારવાર માટે  આ પ્રકારની સુવિધા પૂરી પાડે તો લોકોને સારવાર ઉપલબ્ધ થઈ શકે.

ગ્રામ્ય વિસ્તારોમાં એક મોટો વર્ગ એવો પણ છે જેમનામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે જોઈએ તેવી જાગૃતિ નથી.આ માટે જાગૃતિ અભિયાન શરુ કરવાની જરુર છે.

એનજીઓની ભૂમિકા વધારવા માટે પણ વિચારણા કરવી જોઈએ.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સજેશન બોક્સ મૂકવા જોઈએ.જેથી લોકો પોતાનો અભિપ્રાય આપી શકે.લોકોની મુશ્કેલીનો તંત્રને ખ્યાલ આવી શકે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવાની જરુર 

કેટલાક હેલ્થ સેન્ટરો પર સ્ટાફ વધારવાની પણ લોકોની માંગ હતી, તેના પર પણ ધ્યાન આપવુ જોઈએ.


Google NewsGoogle News