પીએચડીની ૫૨૮ બેઠકો માટે આખરે પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં આખરે આઠ મહિના બાદ આખરે પીએચડીના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે.પીએચડી કરવા માગતા વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ થકી એડમિશન માટે એપ્લિકેશન કરી શકે છે.તા.૧ થી ૧૦ ઓક્ટોબર સુધી એપ્લિકેશન ફોર્મ ભરી શકાશે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના વિવિધ વિભાગોમાં પીએચડી માટે ૫૨૮ બેઠકો ઉપલબ્ધ છે.જે પણ વિદ્યાર્થીઓએ નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ કરી હોય કે અગાઉ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી હોય તે વિદ્યાર્થીઓ પીએચડી માટે એપ્લિકેશન કરી શકશે.હવે પછી યુનિવર્સિટી પીએચડી માટે એન્ટ્રન્સ ટેસ્ટ નહીં લે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં ફેબુ્રઆરી મહિનાથી પીએચડીના રજિસ્ટ્રેશન બંધ છે.
યુનિવર્સિટી દ્વારા એપ્લિકેશન કરનારા વિદ્યાર્થીઓના દસ્તાવેજોની તા.૧૮ ઓકટોબર સુધી ચકાસણી થશે.એ પછી વિદ્યાર્થીઓના ગાઈડ નક્કી કરવાની અને રિસર્ચ પ્રસ્તાવ તૈયાર કરવાની કાર્યવાહી તા.૧૭ નવેમ્બર સુધી ચાલશે.તા.૧૮ થી ૨૬ નવેમ્બર દરમિયાન જે તે વિભાગમાં પીએચડીના વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન થશે.તા.૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની યાદી પ્રસિધ્ધ થશે.આ વિદ્યાર્થીઓએ તા.૭ ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ફી ભરવાની રહેશે.પીએચડી પ્રવેશ કાર્યવાહીને લગતી વધારે જાણકારી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.