વડોદરામાં સ્ટાઈપેન્ડથી વંચિત ફાર્મસીના વિદ્યાર્થીઓ કલેકટર પાસે પહોંચ્યા
વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી સહિત ગુજરાત અને સમગ્ર ભારતની ફાર્મસી કોલેજમાં એમફાર્મનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષે સ્ટાઈપેન્ડ નથી મળ્યુ. જેના કારણે આજે ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કે, જીપેટ પરીક્ષા(ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ કરીને ફાર્મસીના માસ્ટર ટેસ્ટમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને દર મહિને 12000 રુપિયા સ્ટાઈપેન્ડ મળે છે. આ વર્ષે વિદ્યાર્થીઓને હજી સુધી સ્ટાઈપેન્ડ મળ્યુ નથી. આ વિદ્યાર્થીઓ પૈકીના કેટલાકની આર્થિક સ્થિતિ પણ સારી નથી. તેમના માટે સ્ટાઈપેન્ડ નાણાકીય સહારો બની શકે છે.
વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સ્ટાઈપેન્ડ આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા યોગ્ય જાણકારી પણ આપવામાં આવી નથી. ફાર્મસી કાઉન્સિલના પ્રમુખે સ્ટાઈપેન્ડ આપવાનો વાયદો કર્યો છે તે હજી પૂરો થયો નથી. સમગ્ર ભારતમાં 6800 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડથી વંચિત છે.
વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે, કલેકટર દ્વારા આ બાબતે વિદ્યાર્થીઓની લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે.