હજુ પણ લોકોની પ્રથમ પસંદગી પેટ્રોલના વાહનો, કુલ વાહન વેચાણમાં 70 ટકા હિસ્સો
પેટ્રોલ કરતા ઇ-વ્હિકલનો ખર્ચ 80 ટકા ઓછો છતાં ઇ-વ્હિકલના વેચાણમાં વધારો થતો નથી
વડોદરા : પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે તેની સામે ઇલેક્ટ્રિક વ્હિકલ મફતના ભાવે એટલે કે ખૂબ સસ્તું પડી રહ્યું છે તેમ છતાં હજુ પણ વાહન ખરીદીમાં લોકોની પ્રથમ પસંદગી પેટ્રોલના વાહનો જ છે. બીજા નંબર ઉપર ડિઝલના વાહનો આવે છે, જ્યારે ત્રીજા અને ચોથા નંબર ઉપર ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો છે.
વડોદરામાં આ વર્ષે જાન્યુઆરીથી જુન-૨૦૨૪ સુધી છ મહિનામાં કુલ ૫૬,૨૪૧ વાહનોનું વેચાણ થયું છે, જેમાં ૬૯ ટકા પેટ્રોલના વાહનો છે અને ૧૦.૧૨ ટકા ડિઝલના, જ્યારે ઇલેક્ટ્રિક ૬ ટકા અને ૪.૯૦ ટકા સીએનજી વાહનો છે. બાકીના ૧૦ ટકા અન્ય વાહનો છે, જેમાં ડિઝલ-હાયબ્રિડ, પેટ્રોલ-હાયબ્રિડ, પેટ્રોલ-સીએનજી, પેટ્રોલ-ઇથેનોલ અને સ્ટ્રોંગ હાયબ્રિડનો સમાવેશ થાય છે.
ડિઝલ વાહનોનો 10 ટકા, ઇ-વ્હિકલનો 6 થી 7 ટકા, સીએનજીનો 4 થી 5 ટકા અને હાયબ્રિડ વાહનોનો 10 ટકા હિસ્સો
ઇ-વ્હિકલની ખરીદી વધતી નથી તેના બે મુખ્ય કારણો છે. એક તો ઇ-વ્હિકલ ખૂબ મોંઘા છે. સામાન્ય માણસને પરવડે તેવા નથી. પેટ્રોલ, ડિઝલ અને સીએનજી વાહનો કરતાં ઇ-વ્હિકલની કિંમત ૩૦ થી ૪૦ ટકા વધુ હોય છે. બીજું કારણ બેટરી છે. બેટરીને કલાકો સુધી રિચાર્જ કર્યા બાદ ફૂલ ચાર્જ થાય છે. વાહનમાં સૌથી વધુ કોસ્ટ બેટરીની હોય છે એટલે બેટરી બદલવાની થાય તો રિપ્લેસમેન્ટ ખર્ચ ખૂબ આવે છે. ઉપરાંત, સુરક્ષાની દ્રષ્ટિએ પણ લોકોમાં ચિંતા છે કેમ કે ઇ-વ્હિકલની બેટરીમાં આગ લાગવાના બનાવો વારંવાર બની રહ્યા છે.