Get The App

વડોદરામાં પેટ્રોલમાં લીટરે રૃા.૧૧.૪૯ તેમજ ડીઝલમાં રૃા.૧૬.૯૬નો ઘટાડો

જો કે ક્રૂડતેલના ભાવ સતત વધતા હોવાથી આગામી દિવસોમાં ફરી ભાવવધારો થતો રહેશે તેવો ડીલરોનો મત

Updated: Nov 4th, 2021


Google NewsGoogle News
વડોદરામાં પેટ્રોલમાં લીટરે રૃા.૧૧.૪૯ તેમજ ડીઝલમાં રૃા.૧૬.૯૬નો ઘટાડો 1 - image

વડોદરા તા.4 કેન્દ્ર સરકારે એક્સાઇઝ અને રાજ્ય સરકારે વેટના દર ઘટાડતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો નોધાયો છે. વડોદરામાં ગઇકાલની સરખામણીમાં રૃા.૧૧ જેટલો ઘટાડો દિવાળીના દિવસે જ થતા લોકોએ રાહત અનુભવી હતી. આ ઉપરાંત ડીઝલના ભાવમાં પણ રૃા.૧૭ જેટલો ઘટાડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડોદરામાં પ્રતિ લીટરે પેટ્રોલ રૃા.૧૦૬.૨૭ના ભાવે વેચાણ થતું હતું જો કે આજે એક્સાઇઝ અને વેટના દરમાં થયેલા ઘટાડાના પગલે પેટ્રોલ રૃા.૯૪.૭૮ના ભાવે વેચાણ થયું  હતું. તેવી જ રીતે ડીઝલ પણ ગઇકાલે રૃા.૧૦૫.૭૩ના ભાવે વેચાણ થતું હતું પરંતુ ટેક્સમાં થયેલા ઘટાડાના પગલે આજે પ્રતિ લીટર ડીઝલ રૃા.૮૮.૭૭ના ભાવે પેટ્રોલપંપો પરથી મળતું થયું  હતું.

આશરે ૨૫ દિવસના લાંબા સમય સુધી રૃા.૧૦૦થી વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ લોકોએ ચુકવ્યા બાદ દિવાળીના દિવસે ભાવોમાં ઘટાડો થતા લોકોને રાહત થઇ હતી. ગઇકાલે રાત્રે પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાં ઘટાડાના પગલે પેટ્રોલપંપો પર લોકોએ પેટ્રોલ અને ડીઝલ ભરાવવાનું ટાળ્યું હતું પરંતુ આજે સવારે નવા ભાવો જાહેર થતાંની સાથે જ લોકો પેટ્રોલ અને ડીઝલ પોતાના વાહનમાં ભરાવવા માટે પેટ્રોલપંપો પર ઉમટી પડયા હતાં.

પેટ્રોલપંપ ડીલરોએ જણાવ્યું હતું કે અત્યારે ભલે ભાવમાં ઘટાડો થયો પરંતુ ક્રૂડના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો થોડો વધારો થતો હોવાથી દિવાળી બાદ ફરી વાહનોના ઇંધણના ભાવમાં ઉછાળો આવે તો નવાઇ નહી.




Google NewsGoogle News