હરણી લેક ઝોન દુર્ઘટનામાં કોર્ટ મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશનની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન
કોર્પોરેશન, કલેક્ટર કચેરી તથા સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવા પણ માંગણી : બોટના ફોટો કોર્ટમાં રજૂ કરાયા
વડોદરા,હરણી લેક ઝોન દુર્ઘટનામાં કોર્ટે મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશનની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં બે પિટિશન દાખલ કરવામાં આવી છે. બોટ દુર્ઘટનાના ૧૦ પરિવારો સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરનાર વકીલ દ્વારા આજે વડોદરામાં પીડિત પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કોર્પોરેશન, કલેક્ટર કચેરી તથા સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરી હતી.
વડોદરાની બોટ હોનારતમાં બે શિક્ષિકા અને ૧૨ બાળકોના મોત થયા છે. તેમાં બાળક ગુમાવનાર પિતા દ્વારા એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તે અંગે પિટિશન દાખલ કરનાર વકીલે જણાવ્યું છે કે, પિટિશનમાં એવી માંગણી કરવામાં આવી છે કે, ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવામાં આવવું જોઇએ. એક એવી એજન્સી કે જેનું મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઇકોર્ટ કરે. જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે. એક એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોન્ટ્રાક્ટરને માત્ર પેડલ બોટ ચલાવવા માટેની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાંય એન્જિન બોટ કોની પરમિશનથી ચલાવવામાં આવતી હતી ? એન.ઓ.સી. વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ઇશ્યૂ થઇ છે. જે સંદર્ભે તપાસ થઇ નથી. તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જેથી, સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે અને કોર્ટે મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશન થવું જોઇએ.
અત્યારસુધી સ્કૂલના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીઓ સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. શું એ સ્કૂલની બેદરકારી નથી કે, જે બોટની ક્ષમતા છે તેના કરતા બમણી ક્ષમતામાં બાળકોને બેસાડીને બોટ ચલાવવામાં આવે છે. શું એ ટ્રસ્ટી અને સ્કૂલની બેદરકારી નથી કે, ચોક્કસ પણે ચકાસણી કર્યા વગર આ બોટમાં બાળકોને લઇ જવાય છે. બોટના ફોટા જોતા તે તદ્દન ખરાબ સ્થિતિમાં છે. તેના ફોટા પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયા છે.
આ એગ્રીમેન્ટ તત્કાલિન કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો. જે સંસ્થાને પરમિશન આપે છે કે, પીપીપી માં તેમાં એક્ટિવિટી કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં એવી માંગ છે કે, જેઓએ બેદરકારી દર્શાવી છે તે તમામ સામે આરોપ મૂકવામાં આવે.
૧૯૯૩ ની દુર્ઘટનામાં પણ કોટિયા પ્રોજેક્ટનો જ કોન્ટ્રાક્ટ હતો
વડોદરા,ભૂતકાળમાં વડોદરામાં ૯૦ ના દાયકામાં વડોદરામાં આવી જ એક દુર્ઘટના ઘટી હતી. મહત્વની વાત એ દર્શાવવામાં આવી છે કે, આ જ કોટિયા પ્રોજેક્ટ્સ પ્રા.લિ. ને તે સમયે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેના પછી તેને બ્લેક લિસ્ટ કરવામાં આવતી નથી. આજે ૨૦૨૪માં પણ આ જ કંપની દ્વારા આવી દુર્ઘટના ઘટે છે તો તેની માટે જવાબદાર કોણ ?
કોર્પોરેશનના જે વિભાગની જવાબદારી બને તેના અધિકારી કર્મચારીને આરોપી બનાવવા જોઇએ
વડોદરા, મોરબી બ્રિજ દુર્ઘટના, મહંમદપુરામાં પુલ પડયો, સુરતમાં ઉદ્ઘાટન પછી પુલ પડયો. અનેક જગ્યાઓએ પુલ જર્જરિત હાલતમાં છે. કોર્પોરેશન કહે છે કે, કોન્ટ્રાક્ટર જવાબદાર છે અને કોન્ટ્રાક્ટર કહે છે કે, કોર્પોરેશન જવાબદાર છે. આટલા ગંભીર ગુનામાં જ્યારે ડોક્યુમેન્ટસ મળે છે ત્યારે ખબર પડે છે કે, પેડલ બોટની જગ્યાએ એન્જિનવાળી બોટ વપરાય છે. શહેરમાં કોઇ બિલ્ડિંગ બને કે પછી કોઇ એક ઇંટ પણ મૂકે તો નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે. આ બેદરકારી અંગે ચકાસણી કરવાની જવાબદારી કયા વિભાગ અને અધિકારીની રહે છે. તેને જવાબદાર ઠેરવીને આરોપી બનાવવા જોઇએ.
માત્ર કાગળ પર જ ચકાસણી થતી હોવાની શંકા વ્યક્ત કરી
વડોદરા,જે કોન્ટ્રાક્ટ પી.પી.પી. હેઠળ ચાલતો હોય તેની જવાબદારી કોની ? કોર્પોરેશનમાંથી તેની ચકાસણી કરવા કોણ આવતું હતું ? કે પછી આ ચકાસણી માત્ર કાગળ પર જ થતી હતી. આ ગંભીર બેદરકારી કોની છે ? જેના લીધે બાળકોના મોત નિપજ્યા છે. કોર્પોરેશન, કલેક્ટર કચેરી કે સ્કૂલ જેની પણ બેદરકારી હોય તેની સામે તાત્કાલિક કાયદેસરના પગલા લેવામાં આવે.
મને એ જ સમજાતું નથી કે
આટલી ઉતાવળથી એફ.આઇ.આર.દાખલ કેમ કરે છે
મોટી દુર્ઘટના પછી સ્ટેટનો પ્રાયમરી મોટિવ રેસક્યૂ ઓપરેશન હોય છે
વડોદરા,વકીલે જણાવ્યું હતું કે, આટલી મોટી દુર્ઘટના પછી સ્ટેટનો પ્રાયમરી મોટિવ રેસક્યૂ ઓપરેશન હોય ત્યારે ટૂંક જ સમયમાં એફ.આઇ.આર.દાખલ કરી દેવાય અને તેમાં કોઇ સરકારી કર્મચારીનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.
મોરબી દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા છે. ત્યારે પણ ઉતાવળ કરીને એફ.આઇ.આર. કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ ચાર્જશીટમાં મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. મને એ જ સમજણ નથી પડતી કે, તમે આટલી ઝડપથી એફ.આઇ.આર. દાખલ કરી દો છો. હાલની ઘટનામાં પણ માત્ર બોટ ઓપરેટર અને કોન્ટ્રાક્ટરને આરોપી બનાવી દેવાય છે. સુપ્રીમ કોર્ટમાં એવી જ માંગ છે કે, કોણ આ દુર્ઘટના માટે જવાબદાર છે. કોર્પોરેશનની જવાબદારી કેટલી હદે છે ? સંપૂર્ણપણે જો તેઓની બેદરકારી બહાર આવશે તો સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ આવશે તે અનુસંધાને કલેક્ટર કચેરી કે કોર્પોરેશનના અધિકારીઓ હોય તે તમામ સામે પગલા લેવાની અમારી માંગણી છે.
બાળક સ્કૂલ પરિસરમાં છે તો શિક્ષક એ વાલી સમાન છે
ભૂતકાળમાં સરકારી અધિકારી, કર્મચારીને સજા થઇ છે કે કેમ ? ધેર ઇઝ ઓલ્વેઝ એ બિગનીંગ...
વડોદરા,ભૂતકાળમાં કોઇ સરકારી કર્મચારી અને અધિકારીઓને સજા થઇ છે ? તે પ્રશ્નના જવાબમાં વકીલે જણાવ્યું છે કે, ધેર ઇઝ ઓલ્વેઝ એ બિગનીંગ.એક વસ્તુ પાકી છે કે, એન.ઓ.સી. કોણે આપી ? તમારી જવાબદારી શું હતી ? પીપીપી પ્રોજેક્ટમાં તમારી જવાબદારી એ હતી કે, તમે બોટની ચકાસણી કરો. લાઇફ જેકેટ છે કે નહીં ? તમે ચકાસણી કરો કે બધી વસ્તુઓ બરાબર છે કે નહીં ? સ્કૂલની જવાબદારી શું છે ? તમે ડી.ઈ.ઓ.ને પ્રવાસની જાણ કરી હતી ? સુપ્રીમ કોર્ટનાએક જજમેન્ટને અમે ટાંક્યું છે કે, જ્યારે બાળક સ્કૂલ પરિસરમાં છે તો શિક્ષક એ વાલી સમાન છે. જ્યારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે એ બેદરકારી કઇ રીતે કરી ? સ્કૂલના કોઇ આચાર્ય, ટ્રસ્ટી સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. તે સમગ્ર માંગ છે સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ છે.
સરકારે જાહેર કરેલી સહાયની જગ્યાએ એક યોગ્ય વળતરની જાહેરાત થવી જોઇએ
વડોદરા,વકીલે વધુમાં જણાવ્યું હતું કે, મને માહિતી મળી છે કે,કોર્પોરેશનનું બજેટ આશરે ૪ હજાર કરોડ દર્શાવવામાં આવે છે. તેમાં ડિઝાસ્ટર માટે કેટલા ફાળવ્યા છે. જો સરકાર કે કોઇ કશું ના આપે તો તમને જે પ્રજાએ ચૂંટયા છે. તેઓને તમે શું આપી શકો છો ? તે માટે કોઇ કોમેન્ટ કરવાની પરિસ્થિતિમાં તેઓ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જે વળતર જાહેર કરવામાં આવ્યું છે. તેની જગ્યાએ એક યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે એક પી.આઇ.એલ. અને રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.