MSUના વીસી તરીકે પ્રો.શ્રીવાસ્તવની નિમણૂંક સામે હાઈકોર્ટમાં પિટિશન, સરકાર-યુજીસીને નોટિસ
વડોદરા,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર
એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.શ્રીવાસ્તવની નિમણૂંકને આખરે યુનિવર્સિટીની જ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના અધ્યાપક પ્રો.સતિષ પાઠકે હાઈકોર્ટમાં પડકારી છે.
પ્રો.પાઠકે દાખલ કરેલી પિટિશન બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ તેમજ યુજીસીને નોટિસ આપીને આ મામલાની વધુ સુનાવણી તા.29 જાન્યુઆરીએ રાખવાનો હુકમ કર્યા બાદ યુનિવર્સિટીમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે પિટિશનમા પ્રો.પાઠકે આક્ષેપ કર્યો છે કે, પ્રો.વિજય શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંકમાં નિયમોનુ પાલન કરવામાં આવ્યુ નથી. વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક માટે પ્રો.શ્રીવાસ્તવ લાયકાત ધાવતા નથી. કારણકે યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ ચાન્સેલર બનવા માટે પ્રોફેસર તરીકે ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ જરૂરી હોય છે. જ્યારે પ્રો.શ્રીવાસ્તવ પાસે પ્રોફેસર તરીકે આટલો અનુભવ નથી.
સાથે સાથે પિટિશનમાં કહેવામાં આવ્યુ છે કે, વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવા માટે જે સર્ચ કમિટિ બનાવવામાં આવી હતી તે પણ યુજીસીના નિયમો સાથે સુસંગત નથી.
ઉલ્લેખનીય છે કે, પ્રો.સતિષ પાઠક છેલ્લા કેટલાક સમયથી પ્રો.શ્રીવાસ્તની નિમણૂંક સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ આ મામલે વડાપ્રધાન ઓફિસ, મુખ્યમંત્રી ઓફિસ, શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી ચુકયા છે. જોકે તેમને આ તમામ જગ્યાએથી જવાબ સુધ્ધા નહીં મળતા આખરે તેઓ હાઈકોર્ટની શરણે ગયા છે.