વડોદરામાં ગોત્રીની GMERS મેડિકલ કોલેજમાં ફી વધારાના વિરોધમાં NSUI દ્વારા આવેદનપત્ર
Vadodara GMERS Medical College : ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજો જેટલી જ રાખવામાં આવશે એવી જાહેરાત બે વર્ષ અગાઉ સામે સરકારે ઊલટો નિર્ણય કરીને જીએમઈઆરએસ સેમી ગવર્નમેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુના ઝીકાયેલા ભાવ વધારા સામે એનએસયુઆઈ દ્વારા આંદોલન શરૂ કરાયું છે. જેમાં પ્રાથમિક તબક્કે જીએમઈઆરએસના ડિરેક્ટરને આવેદન પત્ર આજે સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે અંદાજિત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજોની કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા એકાએક ઉલટો નિર્ણય લેવાયો છે અને જીએમઈઆરએસ સેમિ ગવર્મેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુનો વધારો જીતી દેવાયો છે. જોકે થોડા દિવસ અગાઉ જ સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આ અંગેનો લાભ મળશે રાજ્ય સરકારે ખાનગી કોલેજમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવાશે તેવું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
આ અંગે એનએસયુઆઈ દ્વારા આ ફી વધારાને વખોડી કાઢવામાં આવ્યો છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ જશે તેવો આક્ષેપ કર્યો છે બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું છે તેને બદલે ઉપરવટ જઈને રાજ્ય સરકારે ઊલટો નિર્ણય કરી દીધાનો આક્ષેપ કર્યો છે. શહેર એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ આ અંગે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની જાહેરાત કરી હતી પરંતુ વિદ્યાર્થીઓને કે પછી સંગઠનોને એવી ક્યાં ખબર હતી કે સરકારી મેડિકલ કોલેજોની જ ફી સરકાર વધારી દઈને ખાનગી મેડિકલ કોલેજોની ફી જેટલી જ કરી દઈને ઊંધો કાન પકડાવશે. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે હવે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓની ફી 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દેવાઇ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે સંગઠનના વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચાર કર્યો હતો. ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવા આવેદનપત્રમાં જણાવ્યું છે. અન્યથા ઉગ્ર આંદોલન કરતાં પણ સંગઠન અચકાશે નહીં.