રિફાઇનરીની આગનું સાચુ કારણ જાણવા પેસો દ્વારા પણ તપાસ હાથ ધરાઇ
નિષ્ણાંતો તપાસ કરવા આગના સ્થળે પહોંચ્યા પરંતુ અંદર જઇ શકાય તેમ નહી હોવાથી પરત ફર્યા
વડોદરા, તા.12 વડોદરા નજીક કોયલીમાં ગુજરાત રિફાઇનરીમાં ગઇકાલે લાગેલી વિનાશક આગ બાદ સાચું કારણ જાણવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશ (પેસો) દ્વારા પણ ગઇકાલે અને આજે સ્થળ પર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સીના રિપોર્ટના આધારે ખરેખર આગ માટે કોણ જવાબદાર હતું તે સ્પષ્ટ થઇ શકશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રિફાઇનરીમાં ગઇકાલે પોણા ચાર વાગ્યાની આસપાસ ટેન્ક ફાર્મમાં ૧૦ લાખ લીટર બેન્ઝિનના સંગ્રહની ક્ષમતા ધરાવતી ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગી હતી. ગઇકાલે લાગેલી આગ એટલી વિનાશક હતી કે આજે મળસ્કે તે કાબૂમાં આવી હતી. આગની ઘટનાને પગલે સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. વિવિધ સરકારી એજન્સીનો સ્ટાફ પણ આગ કેમ લાગી તેની તપાસ માટે દોડી ગયો હતો.
દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ સ્ટાફ પણ રિફાઇનરી દોડી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરામાં આવેલ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ પણ ગઇકાલે અને આજે પણ સ્થળ પર પહોંચીને ઇન્સ્પેક્શન શરૃ કર્યું હતું. પેટ્રોલિયમ એક્સપ્લોઝિવની પ્રિમાઇસિસને એપ્રૂવલ કેન્દ્ર સરકારનો આ વિભાગ આપે છે જેથી આ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાશે.
બેન્ઝિન ક્લાસ-એ સોલ્વન્ટનો પ્રકાર છે જેથી આગ માટે ક્યું કારણ હોઇ શકે તે મહત્વનું છે. ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ આજે ફરી રિફાઇનરી પહોંચ્યા હતા પરંતુ અંદર જઇ શકાય તેમ નહી હોવાથી ટેન્કનું ઇન્સ્પેક્શન થઇ શક્યું ન હતું. આ વિભાગે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ પાસે પણ રિપોર્ટ માંગ્યો છે. એસઓપી બાયપાસ થઇ છે કે નહી તેમજ આગ માટે બીજુ કયું મટિરિયલ જવાબદાર હોઇ શકે તે ટેન્કના ઇન્સ્પેક્શન બાદ જાણવા મળશે.