સંગીતમાં તાલવાદ્યોનું એટલું જ મહત્ત્વ છે, જેટલું શરીરમાં હૃદયના ધબકારનું
બોલિવુડના ઢોલક વાદક ગિરિશ વિશ્વાએ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના તબલા વિભાગના વિદ્યાર્થીઓને તાલીમ આપી
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા આયોજીત નેશનલ વર્કશોપમાં બોલિવુડના પ્રખ્યાત ઢોલક પ્લેયર ગિરિશ વિશ્વા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેઓએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે 'ભારતીય તાલવાદ્ય કલાકારો ભારતીય શાસ્ત્રીય તાલોની સાથે પશ્ચિમના તાલો પણ આસાનીથી વગાડી શકે છે એટલે વિશ્વભરમાં તેની નામના છે.'
તબલાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા તેઓએ કહ્યું હતું કે 'કળાને જો તમે કેરિયર તરીકે અપનાવો છો પછી તેમા મહેનત પણ કેરિયર જેટલી જ કરો. ફિલ્મી સંગીતમાં સામાન્ય રીતે ગાયક અને સંગીતકારો જ પ્રસિધ્ધ થતાં હતા પરંતુ વાદ્યવૃંદ (ઓરકેસ્ટ્રા)ના કલાકારોને લોકો ઓળખતા નહી. હવે સ્થિતિ બદલી છે. તાલવાદ્યના કલાકારો પણ આજે સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. લોકો સતત આક્ષેપ કરતા હોય છે કે ભારતીય સિનેમા સંગીતમાં પશ્ચિમી સંગીતની બીટ્સ ચોરવામાં આવે છે. સંગીતમાં એવુ નથી હોતુ. તાલ અને સૂર પૂર્વ હોય કે પશ્ચિમ સરખા જ છે તેને પોતાના રંગમાં ઢાળવા તે કલા છે.
કળાને કેરિયર તરીકે અપનાવો તો પછી મહેનત પણ કેરિયર જેટલી જ કરો
ઉલ્લેખનીય છે કે ગિરિશ વિશ્વા મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના વતની છે. તેમના પિતા પણ ઢોલક વગાડતા હતા એટલે ૧૪ વર્ષની ઉમરથી જ ગિરિશે ઢોલક વગાડવાનું શરૃ કર્યુ હતુ. ૧૯૮૫માં મુંબઇ આવ્યા અને સંગીતકાર રામ-લક્ષ્મણે તેમને પ્રથમ બ્રેક મૈને પ્યાર કીયા ફિલ્મમાં આપ્યો હતો. તે પછી તેઓ રિઆલિટી શોમાં જોડાયા અને દેશભરમાં જાણીતો ચહેરો બની ગયા.