MSU કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓ માટે 70 ટકા અનામત બેઠક નહી હટાવવા માગ
12000 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જો એમ.એસ.યુનિ. નિયમ હટાવે તો હજારો વિદ્યાર્થીઓ રઝળી પડે, ઉગ્ર આંદોલની ચિમકી
વડોદરા : શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ૭૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. પરંતુ ગત વર્ષથી લોકલ વિદ્યાર્થીઓ માટેની આ બેઠકોને ખતમ કરવાની હિલચાલ ચાલી રહી છે. આ વર્ષે ધો.૧૨ કોમર્સ પ્રવાહનું રિઝલ્ટ ખુબ ઊંચુ આવ્યુ છે એટલે જો ૭૦ ટકા અનામતનો ક્વોટા ખતમ કરી દેવામાં આવશે તો હજારો વિદ્યાર્થીઓ રઝળી પડશે એટલે આ નિયમમાં કોઇ ફેરફાર કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવો એક પત્ર સેન્ટ સભ્યએ વાઇસ ચાન્સેલરને લખ્યો છે.
પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા અનામત બેઠકનો નિયમ ચાલી રહ્યો છે આ બેઠક ઉપર વડોદરા ઉપરાંત જિલ્લાના સાવલી, વાઘોડિયા,ડભોઇ,પાદરા,કરજણ,શિનોર સહિતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે બાકીની ૩૦ ટકા બેઠકો પર બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે.જ્યારે સાયન્સમાં લોકલ અને બહારના વિદ્યાર્થીઓ માટે ૫૦-૫૦ ટકા ક્વોટા છે.
ગત વર્ષે કોમર્સમાં ૭૦ ટકા અનામત બેઠક રદ્ કરવાની હિલચાલ સત્તાધિશો દ્વારા કરવામાં આવી હતી જેનો ઉગ્ર વિરોધ થયા બાદ લોકલ ૫,૮૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે વડોદરા શહેર જિલ્લામાં મળીને ૧૨ કોમર્સમાં ૧૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. વડોદરા શહેર જિલ્લાની તમામ કોલેજ યુનિવર્સિટીમાં મળીને પણ ૧૨,૦૦૦ બેઠકો થતી નથી. આ સ્થિતિમાં એમ.એસ.યુનિવર્સિટી કોમર્સમાં જો લોકલ વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા અનામત બેઠક નહી રાખે તો વડોદરા શહેરના જ હજારો વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં અભ્યાસ કરવા જવુ પડે તેવી સ્થિતિ સર્જાશે.