વરસાદની આગાહીથી લોકોમાં દહેશતઃ ફાયર બ્રિગેડને ફોનકોલ્સ..આજવાની સપાટી કેટલી છે, પાણી છોડવાના છો
વડોદરાઃ વડોદરામાં પૂરે સર્જેલી તારાજીને કારણે હજી લોકોને કળ વળી નથી ત્યાં ફરીથી વરસાદની આગાહી આવતાં લોકોમાં દહેશત વ્યાપી છે.
સોશ્યલ મીડિયા પર ચાર સિસ્ટમ સક્રિય થઇ છે,આવતીકાલથી ભારે વરસાદની આગાહી છે..મંગળવારે બપોરે બે વાગ્યાથી બુધવારે સવારે ૪ વાગ્યા સુધી ભારે વરસાદ પડવાનો છે..જેવા મેસેજો ફરતા થતાં લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી.
વડોદરા ફાયર બ્રિગેડને આજે બપોરથી સતત ફોનકોલ્સ મળી રહ્યા છે અને મોટાભાગના લોકો આજવાની સ્થિતિ વિશે પૂછપરછ કરી રહ્યા છે.કેટલીક મહિલાએ પાણી છોડવાના છે કે કેમ તેમ પણ પૂછ્યું હતું.
કેટલાક લોકોએ તો આજવાના ઉપરવાસમાં શું સ્થિતિ છે,હાલોલ અને પાવાગઢમાં વરસાદ પડયો છે તો આજવામાં કેટલી સપાટી વધી છે તેમ પણ પૂછ્યું હતું.ફાયર બ્રિગેડના ટેલિફોન ઓપરેટરો પણ સતત ફોનકોલ્સથી કંટાળ્યા હતા.