પાણી પૂરતુ નહીં મળતા લોકો નારાજ એક બાજુ પાણી મળે છે, બીજી બાજુ નહીં
બરાનપુરા વિસ્તારમાં પાણી પ્રશ્ને વાલ્વ શોધવા ખોદકામથી હોબાળો
સોમવાર : વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પાણીના ધાંધિયા છે. પાણી ગંદુ ઉપરાંત પૂરતું નહીં મળતું હોવાથી લોકોના કકળાટ વચ્ચે આજે પાણીની લાઈનનો વાલ્વ ખોદવા જતાં લોકોએ કોર્પોરેટરોને ઘેરી લીધા હતા.
આ વિસ્તારમાં એક બાજુ પાણી મળે છે, જ્યારે સામેની તરફે પાણી મળતું નથી. લોકોના કહેવા મુજબ આ વિસ્તારમાં પાણીની લાઈન પરનો એક વાલ્વ રોડ નીચે ડામરમાં દબાઈ ગયો છે. જો વાલ્વ શોધી કાઢીને ખોલવામાં આવે તો પાણીનું પ્રેશર સુધરી શકે. એ આશય સાથે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે લોકોમાં ગેરસમજ ફેલાઈ હતી કે વાલ્વ બંધ કરીને પાણી જે મળે છે, તે બંધ કરવામાં આવનાર છે, પરંતુ એવું કાંઈ નથી. વાલ્વ શોધીને જો વિસ્તારમાં પાણી મળતું હોય તો આ કામગીરી કરવામાં શો વાંધો હોઈ શકે તેમ કોર્પોરેટરનું કહેવું હતું.