વડોદરામાં વ્યાપારિક નહી પરંતુ શેરી, મહોલ્લા અને સોસાયટીયટી ગરબાઓની બોલબાલા

પાસનો ખર્ચો, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવી સમસ્યાથી મુક્તિ મેળવવા લોકો ઘર આંગણે ગરબા તરફ વળ્યા

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
વડોદરામાં વ્યાપારિક નહી પરંતુ શેરી, મહોલ્લા અને સોસાયટીયટી ગરબાઓની બોલબાલા 1 - image


માઇક-લાઉડ સ્પીકર કે આધુનિક ઉપકરણો વગર જ યોજાતા ફાઇન આર્ટસ ફેકલ્ટીના ગરબા

વડોદરા : નથી કોઇ સાઉન્ડનો ઘોંઘાટ કે નથી શણગારની ઝાકઝમાળ. વાદકો માઇક વગર જ વાદ્યો વગાડી રહ્યા છે, ગાયકો પણ માઇક વગર જ માતાજીની સ્તુતિ કરી રહ્યા છે અને સામે ભાતીગળ વસ્ત્ર પરિધાનમાં સેંકડો ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે. હવે તો શેરી ગરબાઓમાં પણ માઇક અને સાઉન્ડ સિસ્ટમ આવી ગયા છે પરંતુ વડોદરામાં આ એક ગરબા એવા છે કે જ્યાં આજે પણ પ્રાચીન પરંપરા પ્રમાણે જ સાઉન્ડ સિસ્ટમ વગર જ ગરબા યોજાય છે અને તે ગરબા છે એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના ગરબા

જાણીતા કલાકાર અને તત્ત્કાલીન પ્રોફેસર જ્યોતિ ભટ્ટે વર્ષ ૧૯૫૪-૫૫માં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ગરબા શરૃ કરાવ્યા હતા આ ગરબા આજે પણ સાત દાયકા બાદ માઇક અને લાઉડ સ્પીકર વગર જ યોજાય છે. આ ગરબામાં કોઇ તાલીમબધ્ધ વાદકો કે ગાયકો નથી હોતા છતા ફાઇન આર્ટસના ગરબાની લોકપ્રિયતા એ હદે છે કે વ્યાપારિક ગરબા કરતા પણ અહી ભીડ વધુ હોય છે. જો કે અહી ફેકલ્ટીના જ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને રમવાની પરવાનગી મળે છે. ગાયકો અને વાદકો પણ તેમાથી જ હોય છે. વાદ્ય યંત્રોમાં પણ પરંપરાગત જેવા કે ઢોલ, કરતાલ, કાંસા જોડી, શંખ, હાર્મોનિયમ અને ઘંટડીનો જ ઉપયોગ થાય છે. તો ગાયકો પણ અહી માતાજીની આરાધના-સ્તુતિ માટે પ્રાચીન સમયમાં લખાયેલા ગરબા જ ગાય છે.

વડોદરામાં વ્યાપારિક નહી પરંતુ શેરી, મહોલ્લા અને સોસાયટીયટી ગરબાઓની બોલબાલા 2 - image

અડુકીયો-દડુકીયોમાં સામાન્ય બાળકો સાથે મુકબધિર બાળકો ગરબે ઘુમ્યા

વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા ૨૨ વર્ષથી ફક્ત બાળકો માટે ગરબાનું આયોજન કરતા અડુકીયો-દડુકીયો ગરબાના આયોજક દિનેશ યાદવે કહ્યું હતું કે આ વખતે અમે અમારા ગરબા મેદાન પર એવા બાળકોને આમંત્રીત કર્યા હતા કે જેઓ બોલી કે સાંભળી નથી શક્તા. મુકધ્વની ટ્રસ્ટના સહયોગથી મુકબધીર બાળકોને અહી લાવવામાં આવ્યા હતા અને આ બાળકો ગરબા મેદાન પર રમતા અન્ય સામાન્ય બાળકો સાથે ગરબે રમીને આનંદ માણ્યો હતો. જો કે આ સમયે જ અમને ધ્યાનમાં આવ્યુ હતું કે બાળકો પાસે યોગ્ય પ્રમાણમાં પરંપરાગત વસ્ત્રો નથી એટલે અમે અડુકીયો દડુકીયો ટ્રસ્ટના માધ્યમથી આ મુકબધીર બાળકોને પરંપરાગત વસ્ત્રો માટે તુરંત ૨૧,૦૦૦નો સહયોગ પણ આપ્યો હતો.

વડોદરામાં વ્યાપારિક નહી પરંતુ શેરી, મહોલ્લા અને સોસાયટીયટી ગરબાઓની બોલબાલા 3 - image

હરિનગરમાં ફક્ત બહેનો-દીકરીઓ માટેના ગરબા : પુરૃષોને નો એન્ટ્રી

ગોત્રી હરી નગરમાં એક એવા ગરબા યોજાય છે કે જ્યાં ફક્ત બહેનો-દીકરીઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. અહી પુરૃષો માટે નો એન્ટ્રી છે. આ અંગે વાત કરતા કોર્પોરેટર નિતિન દોંગાએ કહ્યું હતું કે પાછલા કેટલાક વર્ષોથી ધાર્મિક સામાજિક વાતાવરણ ડોહળાઇ ગયુ છે જેમાં બહેની દીકરીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે એટલે બહેનો દીકરીઓ કોઇ પણ જાતના ભય વગર ગરબા રમી શકે એટલે હરિનગર બ્રિજ પાસે ઇએસઆઇ હોસ્પિટલની નજીક આવેલા ગ્રાઉન્ડમાં ત્રિવેણી ગરબા મહોત્સવનું આયોજન કરીએ છીએ જેમા ગરબા રમવા કે જોવામા ફક્ત બહેનો દીકરીઓ જ હોય છે અને તે પણ સદંતર નિઃશૂલ્ક. અહી પુરૃષોને એન્ટ્રી આપવામાં આવતી નથી. સાતમે નોરતે ગરબા રમતી દીકરીઓ પૈકી ૫૧ દીકરીઓને રૃ.૧૦૦૦નો રોકડ પુરસ્કાર અને ૫૧ દીકરીઓને ગણપતિની ચાંદીની ફ્રેમ આપવામાં આવશે.

વડોદરામાં વ્યાપારિક નહી પરંતુ શેરી, મહોલ્લા અને સોસાયટીયટી ગરબાઓની બોલબાલા 4 - image

ખોડલધામ ગરબા : લેઉવા પાટીદારના કોમ્યુનિટી ગરબા

મહિલા અને દીકરીઓની સુરક્ષા ઉપરાંત સાંસ્કૃતિક સંરક્ષણ અને સામાજિક મેળાવડો એમ ત્રણ પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગામે-ગામે લેઉવા પાટીદાર સમાજના કોમ્યુનિટી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં વડોદરામાં પણ છાણી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં ખોડલધામ ગરબાનું આયોજન થાય છે.

આ અંગે વાત કરતા લેઉવા પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ કુમદભાઇ અકબરી કહે છે કે 'આજના સમયમાં દીકરીઓ ઘરથી દૂર પાર્ટી પ્લોટમાં અજાણ્યા લોકોની વચ્ચે ગરબે રમવા જાય ત્યારે તેની સુરક્ષાનો પ્રશ્ન ઉભો થતો હોય છે.  બીજુ મોટી ઉમરની મહિલાઓ અને વૃધ્ધો તથા બાળકોને ગરબા રમવાનો મોકો મળતો નથી એટલે અમે એક જ સ્થળે સમાજના તમામ વયના લોકો આનંદથી ગરબા રમી શકે તે માટે ખોડલધામ ગરબાનું આયોજન કરીએ છીએ. મહિલાએ ગરબા રમીને ઘરે જઇને ભોજન બનાવવાની માથાકુટમાંથી મુક્ત કરવા અમારે ત્યાં સમાજના ભોજનની પણ વ્યવસ્થા કરીએ છીએ.

વડોદરામાં વ્યાપારિક નહી પરંતુ શેરી, મહોલ્લા અને સોસાયટીયટી ગરબાઓની બોલબાલા 5 - image

મુસ્લિમ વ્યક્તિનો જનાજો નીકળ્યો તો આયોજકોએ ગરબા રોકી દીધા

વડોદરામાં શેરી ગરબાની સંસ્કૃતિ પાછલા ૬ દાયકા કરતા વધુ સમયથી જાળવી રાખનાર તાડફળિયા અને દયાળભાઉના ખાંચાના શેરી ગરબાઓએ મંગળવારે કોમી એખલાસનું પણ ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડયુ હતું.

બન્યુ એવુ કે લાલકોર્ટ પાછળ અકબરી મસ્જિદ પાસે રહેતા મહંમદભાઇ કોલીવાલા (ઉ.૬૦)નું મંગળવારે બપોરે અવસાન થઇ ગયુ. પરંતુ તેમના પત્ની અન્ય સંબંધીઓ સાથે અજમેર શરીફ દરગાહ ખાતે ગયા હતા અને તેમને આ સમાચાર મળતા જ દિલ્હીથી ફ્લાઇટ લઇને પરત આવવા નીકળી ગયા હતા તેમને પહોંચવામાં મોડુ થયુ હતું એટલે લગભગ ૧૦.૩૦ વાગ્યે જનાજો કાઢવામાં આવ્યો હતો. જનાજો અકબરી મસ્જિદથી પાણીગેટ કબ્રસ્તાન લઇ જવાનો હતો જેમાં રસ્તામાં દયાળભાઉનો ખાંચો અને તાડફળિયાના બે શેરી ગરબા આવતા હતા. 

આ બાબતે મુસ્લિમ અગ્રણીઓને જાણ હોવાથી અગાઉથી જ બન્ને ગરબાના આયોજકોને જાણ કરવામાં આવી હતી એટલે અકબરી મસ્જિદ પાસેથી જનાજો નીકળ્યો તે સાથે જ બન્ને ગરબા  બંધ કરી દેવામાં આવ્યા હતા અને જનાજો પસાર થઇ ગયા બાદ ૧૫ મિનિટ પછી ગરબા શરૃ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બન્ને ગરબાના આયોજકોએ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.


Google NewsGoogle News