વડોદરાના વોર્ડ નંબર-13 માં ગેસ લાઇનનું કાર્ય પૂર્ણના 25 દિવસ બાદ પણ પરિસ્થિતી યથાવત રહેતા લોકોને હાલાકી
- હજુ છ મહિના પહેલા જ પથ્થર પેવિંગની કામગીરી કરી હતી
- પથ્થરો તોડી નાખ્યા, પાણી અને ગટર લાઈન તોડી, માટીના ઢગલા યથાવત, લોકોને હેરાનગતિ
વડોદરા,તા.26 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્રના સંકલનના અભાવે જે કામગીરી કરવામાં આવે છે તેમાં છેવટે હેરાનગતિ તો લોકોને જ ભોગવવી પડે છે જેનો વધુ એક પુરાવો વોર્ડ નંબર 13 માં બહાર આવ્યો છે. વોર્ડ નંબર 13 માં હજુ છ મહિના પહેલા જ ફૂટપાથો પર પથ્થર પેવીંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અહીં પાઇપલાઇન ગેસની કામગીરી કરી હોવાથી ફરી પાછું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. ગેસની કામગીરી પૂર્ણ થયાને પણ 25 દિવસ થયા હોવા છતાં બધું જેમનું તેમ પડી રહ્યું છે, અને કોઈ રીપેરીંગ કરવામાં આવ્યું નથી. જેથી હેરાનગતિ લોકો ભોગવી રહ્યા છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ ગોયાગેટ સોસાયટીની આજુબાજુમાં, સાંઈબાબા એપાર્ટમેન્ટ, જય નગર સોસાયટી, શક્તિ કૃપા, ત્રિમૂર્તિ, ગણેશ સોસાયટી વગેરે આસપાસ પાઇપલાઇન ગેસ લાઇનનું જે જૂનું નેટવર્ક છે તે બદલીને નવું નાખવામાં આવી રહ્યું છે. છ મહિના પહેલા પથ્થર પેવિંગની જે કામગીરી કરવામાં આવી હતી ત્યાં ખોદકામ કરવામાં આવતા પથ્થરો તોડી નાખવામાં આવ્યા છે. પાણી અને ગટરની લાઈનો તોડી નાખી છે. આટલું અધૂરું હોય તેમ ગેસ લાઈનની કામગીરી પૂર્ણ કર્યા બાદ માટીના ઢગલા જેમના તેમ રાખી દેવાયા છે. તૂટેલા ફૂટેલા પથ્થરો જેમ તેમ મૂકી દેવાયા છે. પરિણામે લોકો ફૂટપાથ પર ચાલી શકે તેવી સ્થિતિ જ નથી. ગેસ લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તો માટીના ઢગલા ખસેડી, પુરાણ કરી, પથ્થર પેવિંગની કામગીરી શા માટે કરવામાં આવતી નથી તે સવાલ ઉઠાવ્યો છે. લોકોને વાહન પાર્કિંગમાં તકલીફ પડે છે. આ બધો ખર્ચ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવા તેમણે માગણી કરી છે.