ડ્રેનેજની કામગીરી કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ તૂટ્યા : લોકોને આખી રાત અંધારપટમાં વિતાવવી પડી
વડોદરા,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરા કોર્પોરેશનની હદમાં નવા સમાવિષ્ટ બિલ ગામ પાસે ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અંડર ગ્રાઉન્ડ ઇલેક્ટ્રીક કેબલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીને કારણે તોડી નાખવામાં આવતા ગઈકાલે બપોરથી લાઇટો ભૂલ થતાં વહેલી સવાર સુધી વીજ પુરવઠો થબ રહેતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો.
બીલ ગામ પાસે છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી છે તે દરમિયાન ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના સુમારે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની નિષ્કારજીને કારણે સ્થાનિક રહીશોએ જાણકારી આપી હતી કે આ કામગીરી જ્યાં થઈ રહી છે ત્યાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પસાર થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ મનસ્વી રીતે ખોદકામ કરતાં અંડર ગ્રાઉન્ડ ચાર વીજ કેબલ તોડી નાખ્યા હતા. જેથી ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી લઈને આજે વહેલી સવાર સુધી લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો જેને કારણે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
બિલ ગામ નજીક આવેલી અનંતા સોસાયટીમાં 400 થી વધુ પરિવારો રહે છે. સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અગ્રવાલ નામના કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર અને કર્મચારીઓને જ્યારે ડ્રેનેજની કામગીરી ચાલતી હતી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે અંડર ગ્રાઉન્ડ કેબલ પસાર થાય છે તેમ છતાં સુપરવાઈઝરે મનમાંની ચલાવી ખોદકામ કરતાં ચાર કેબલ તોડી નાખ્યા છે જેને કારણે ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી વીજ પુરવઠો ઠપ રહ્યો હતો જેને કારણે લોકોને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે.