પાણીગેટ ટાંકીમાં પરોઢિયે ક્લોરિન લીકેજ થતાં રહીશો ગૂંગળાયા,નાસભાગ મચીઃ10ને અસર

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
પાણીગેટ ટાંકીમાં પરોઢિયે ક્લોરિન લીકેજ થતાં રહીશો ગૂંગળાયા,નાસભાગ મચીઃ10ને અસર 1 - image

વડોદરાઃ કોર્પોરેશનની પાણીગેટ ટાંકીમાં આજે પરોઢિયે સાડા ચારેક વાગે ક્લોરિન ગેસ લીકેજ થતાં ઉંઘમાંથી સફાળા જાગેલા લોકોએ ગૂંગળામણ અનુભવી હતી અને જીવ બચાવવા માટે ઘરછોડી  બાળકો સાથે પલાયન થઇ જતાં અફરાતફરી સર્જાઇ હતી.

કોર્પોરેશનની ટાંકીમાં પાણી શુધ્ધ કરવા માટે ક્લોરિન ઉમેરવામાં આવે છે.પાણીગેટ પોલીસ સ્ટેશનની સામે આવેલી પાણીની ટાંકીમાં ક્લોરિન છોડવાની કામગીરી પહેલાં એક ટનના સિલિન્ડરમાંથી ક્લોરીન લીકેજ થયો હતો.

બનાવને પગલે નજીકમાં આવેલી રમણલાલની ચાલી તેમજ શાલીમાર ફ્લેટ્સ સહિતના વિસ્તારના રહીશોને માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ સાથે ખાંસી,ઉબકા-ઉલટી થવા માંડતા તેઓ ગભરાઇને બહાર નીકળ્યા હતા.લોકોએ  ગૂંગળામણ અનુભવતાં જીવ બચાવીને ભાગ્યા હતા.

ચાલીના રહીશોએ કહ્યું હતું કે,કેટલાક લોકો તો મકાન બંધ કરવા કે મોબાઇલ સહિતની કિંમતી ચીજો પણ લેવા રોકાયા નહતા.તેઓ અડધો કિમી સુધી ભાગ્યા ત્યારબાદ દુર્ગંધ ઓછી થઇ હતી.આ દરમિયાન આઠ થી દસ લોકોને અસર થતાં સારવાર લેવી પડી હતી.જેમાં રાજેશભાઇ સોલંકીને દાખલ કરવા પડયા હતા.

બનાવને પગલે ફાયર બ્રિગેડ આવી ગઇ હતી.પરંતુ તે પહેલાં કોર્પોરેશનના એક અધિકારીએ ગેસ લીકેજ બંધ કરી દેતાં જાનહાનિ ટળી હતી.

પાણીગેટ ટાંકીમાં પરોઢિયે ક્લોરિન લીકેજ થતાં રહીશો ગૂંગળાયા,નાસભાગ મચીઃ10ને અસર 2 - imageડયુટી પર ગયેલા હોમગાર્ડ જવાનની ત્રણ મહિનાની બાળકીનું રેસ્ક્યૂ

પાણીગેટ ટાંકી નજીક રહેતા હોમગાર્ડ જવાન રાતે ડયુટી પર હતા ત્યારે તેમની પત્ની અને ત્રણ મહિનાની બાળકી ઘરમાં હતા.ગેસ લીકેજ થતાં બૂમરાણ મચી હતી અને નાસભાગ થઇ હતી.પરંતુ તેમના દરવાજાની સ્ટોપર ખૂલી નહતી.થોડીવાર બાદ જાણ થતાં કેટલાક યુવકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા.

પાણીગેટ ટાંકીના મેન્ટેનન્સ સામે સવાલો ઉઠયા,સિલિન્ડરો દૂર રાખવા માંગ

પાણીગેટ ટાંકીના મેન્ટેન્સ સામે લોકોએ સવાલો ઉઠાવી ક્લોરિનના સિલિન્ડરો રહેણાંક વિસ્તારથી દૂર રાખવા માંગણી કરી છે.

સ્થાનિકોએ કહ્યું હતું કે,ત્રણેક વર્ષ પહેલાં પણ આવી રીતે ગેસ લીકેજ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે આજે જેટલી અસર થઇ છે તેટલી અસર તે વખતે થઇ નહતી.

રહેણાંક વિસ્તારથી માંડ ૫૦ ફૂટ દૂર કમ્પાઉન્ડ વોલને અડીને ક્લોરિન ના સિલિન્ડર રાખવામાં આવતા હોવાથી પહેલી અસર નજીક રહેતા લોકોને થાય છે.કોર્પોરેશન દ્વારા આવા સિલિન્ડરો દૂર રાખવામાં આવે તો ભવિષ્યમાં બચી શકાય.

પાણીગેટ ટાંકીમાં પરોઢિયે ક્લોરિન લીકેજ થતાં રહીશો ગૂંગળાયા,નાસભાગ મચીઃ10ને અસર 3 - imageજો અમે  બાળકોને લઇ  ભાગ્યા ના હોત તો જીવતા ના હોત

ક્લોરિન ગેસની અસરને કારણે આઇસીયુમાં સારવાર લઇ રહેલા રાજેશ ભાઇના પરિવારની મહિલાએ કહ્યું હતું કે, ચારેક વાગ્યાના અરસામાં હું પાણી પીવા ઉઠી ત્યારે ભયંકર દુર્ગંધ આવતાં મેં મારા જેઠ- જેઠાણી તેમજ પરિવારજનોને ઉઠાડયા હતા.અસર વધી રહી હોવાથી અમે ગભરાયા હતા અને બાળકોને લઇને નાસવા માંડયા હતા.જો અમે  ભાગ્યા ના હોત તો આજે એકેય જણા જીવતા રહ્યા ના હોત.

ભાગતી વખતે ચક્કર આવતા હતા,શ્વાસ લેવાતો નહતો

જીતેન્દ્રભાઇ ઠાકોરે કહ્યું હતું કે,માથું ફાડી નાંખે તેવા ગેસને કારણે શ્વાસ લઇ શકાય તેમ નહતું.લોકો બૂમો પાડતા બાળકોને લઇ બહાર નીકળી ગયા હતા અને મહાવીર હોલ તરફ ભાગ્યા હતા.આ વખતે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને ચક્કર આવીને પડી જવાશે તેમ લોકોને લાગતું હતું.


Google NewsGoogle News