પુષ્ય નક્ષત્ર નિમિત્તે લોકોએ રૃા.૭૫ કરોડના સોના-ચાંદીની ખરીદી કરી
વડોદરાઃ દિવાળીના તહેવારો પહેલા આજે પુષ્ય નક્ષત્ર નિમિત્તે શહેરીજનોએ સોના ચાંદીની ખરીદી કરી હતી.એક અનુમાન પ્રમાણે આજે શહેરમાં ૭૦ કરોડનુ સોનુ અને પાંચ કરોડની ચાંદી વેચાઈ હતી.ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે છેલ્લા એક મહિનાથી સોનાના ભાવ વધ્યા હોવા છતા જ્વેલરીની દુકાનો અને શો રુમો પર ઘરાકી જોવા મળી હતી.
પુષ્ય નક્ષત્ર આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે છે ત્યારે શહેરના જ્વેલર્સોનુ કહેવુ આવતીકાલે રવિવાર હોવાથી અને પુષ્ય નક્ષત્ર હોવાથી ઘરાકી રહેશે અને આવતીકાલે પણ ૭૦ કરોડની આસપાસનુ સોનુ વેચાય તેવી સંભાવના છે.
આજે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૬૩૭૦૦ રુપિયા રહ્યો હતો.જ્યારે ચાંદીનો એક કિલોનો ભાવ ૭૩૦૦૦ રુપિયાની આસપાસ રહ્યો હતો.સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ ૧૫ ટકાનો વધારો થયો છે.શહેરના જ્વેલર સુનિલભાઈ ગણદેવીકરના કહેવા અનુસાર સોનાનો ભાવ વધ્યો હોવાથી રોકાણ માટે લગડી કે કોઈન સ્વરુપે સોનુ લેનારા લોકોની સંખ્યા ઓછી રહી છે.લગ્નસરાની સીઝન માટે મોટાભાગે લોકોએ દાગીના ખરીદયા છે.જોકે કાલે પણ પુષ્ય નક્ષત્ર હોવાથી આવતીકાલે પણ ૭૦ થી ૮૦ કરોડનુ સોનુ વેચાય તેવી શક્યતા છે.
સાથે સાથે હવે લોકો સોનુ ચાંદી ખરીદવા માટે ધનતેરસને પણ વધારે મહત્વ આપતા થઈ ગયા છે.ધનતેરસના દિવસે પુષ્ટ નક્ષત્ર કરતા પણ વધારે ઘરાકી રહે તેવુ અનુમાન છે.