હરણી વિસ્તારમાં મીટર બદલવા ગયેલા વીજ કર્મચારીઓ પર લોકોએ રોષ ઠાલવ્યો
વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં આવેલી મોટનાથ રેસિડેન્સીમાં વીજ મીટર બદલવા માટે ગયેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ લોકોના રોષનો ભોગ બન્યા હતા.અહીંયા લોકોએ કર્મચારીઓને ઘેરી લીધા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
મોટરનાથ રેસિડેન્સીમાં મુખ્યમત્રી આવાસ યોજના હેઠળના લગભગ ૪૫૦ જેટલા મકાનો છે.પૂરથી પ્રભાવિત થયેલા હરણી વિસ્તારમાં મોટનાથ રેસિડેન્સીનો પણ સમાવેશ થાય છે.આ વિસ્તારના લોકોમાં એમ પણ ભારે રોષ છે ત્યારે આજે વીજ કંપનીના કર્મચારીઓને જોઈને લોકો ભડકયા હતા.
સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પૂરના પાણીના આઘાતમાંથી અમે બહાર નથી આવ્યા, હજી તો સાફ સફાઈ ચાલી રહી છે.સરકારમાંથી કોઈ અમને સહાય કરવા માટે દેખાયું નથી.કોઈ જાતની મદદ અમને મળી નથી.અત્યારે અમને સહાયની જરુર છે ત્યારે વીજ કંપનીના કર્મચારીઓ વીજ બિલ આપવા માટે અને મીટર આપવા માટે આવ્યાં હતા.
લોકોએ કહ્યું હતું કે,સહાયના બદલે અમને અત્યારે લાઈટ બિલ મળી રહ્યા છે.ઉપરાંત વીજ મીટરો બદલવા આવતા પહેલા સોસાયટીમાં કોઈને જાણ પણ કરવામાં નહોતી આવી.જેના કારણે લોકોએ વિરોધ કર્યો હતો.અત્યારની પરિસ્થિતિમાં લાઈટ બિલ આપવા પણ યોગ્ય નથી.સરકારે તો ઉલટાનું પૂરગ્રસ્ત લોકોનું લાઈટ બિલ માફ કરવાની જરુર છે.
પાણી ઘૂસી ગયા હોવાથી સંખ્યાબંધ મીટરો બદલવા પડે તેમ હતા
મધ્ય ગુજરાત વીજ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે, આ સોસાયટીમાં સેંકડો વીજ મીટરો પાણીમાં હતા અને તે મીટરો બદલવા પડે તેમ હતા.મીટરો પરના ડિસ્પ્લે બોર્ડ પર પણ પાણી આવી ગયું હતું.જો મીટરો ના બદલ્યા હોત તો બે-ચાર દિવસ રહીને લોકો આ જ મુદ્દે અમારા પર રોષ વ્યક્ત કરત અને તેના કારણે અમારા કર્મચારીઓની ટીમ ત્યાં ગઈ હતી.હોબાળો થયા બાદ અમે લોકોને સમજાવ્યા હતા અને જે પણ જરુરી મીટરો હતો તે બદલ્યા હતા.