વડોદરાના ડભોઇ રોડ પર ગોકળગાયની ગતિએ ડ્રેનેજની કામગીરીથી પ્રજા પરેશાન : કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય
વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
વડોદરા કોર્પોરેશન દ્વારા ડભોઇ વાઘોડિયા રીંગ રોડ પર ચાલી રહેલી ગટર લાઈનની ગોકળગાય ગતિએ ચાલતી હોય પાસે આવેલી સ્કૂલના નાના ભૂલકાઓને તેમજ રહીશોને અવરજવરમાં અને વાહન પાર્કિંગમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ પણ સ્થાનિકોનો સાંભળતા નથીના આક્ષેપ કર્યા હતા
વડોદરા સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જોવા મળી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે હાલમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો પૈકી વોર્ડ નંબર 16 માં ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી કાન્હા રેસીડેન્સી પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી છે જ્યાં નાના ભૂલકાઓની સ્કૂલ પાસે જ મોટો ખાડો ખુલ્લો મુકી દેતા બાળકો ઇજાગ્રસ્ત થવાની પણ ભિતી સેવાઈ રહી છે તો બીજી તરફ ખાડાની અંદર પાણી ભરાતા મચ્છરોનો પણ વધી ગયો છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ આ મુદ્દે ગંભીરતા નહીં લેતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અહીં રસ્તો સાંકડો હોય અને ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પણ પાર્કિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના સ્માર્ટ સત્તાધીશો વહેલી તકે ગટર લાઈનની કામગીરી પૂર્ણ કરી ખાડાઓ પૂરે તેવી રહીશોએ માંગ કરી હતી.