વડોદરામાં આજે દશેરાની ઉજવણી સાથે લોકો ૬ કરોડના ફાફડા- જલેબી ખાશે
વડોદરાઃ આવતીકાલે, શનિવારે દશેરાની ભવ્ય ઉજવણી શહેરમાં થશે.દશેરાનો દિવસ હોય અને વડોદરાવાસીઓ ફાફડા-જલેબી ના ખાય તેવુ બની શકે નહીં.આ વર્ષે તો ફાફડા જલેબીનો ક્રેઝ એ હદે વધી ગયો છે કે, બે દિવસ પહેલાથી નોરતેથી શહેરમાં ફાફડા-જલેબીનું વેચાણ શરુ થઈ ગયું હતું.
છેલ્લા કેટલાક વર્ષોથી છેલ્લા નોરતે રાત્રે બાર વાગ્યાથી જ ફાફડા જલેબી વેચાવાનું શરુ થઈ જાય છે પણ આ વર્ષે એક દિવસ પહેલાથી દુકાનો પર અને રસ્તાઓ પર ઠેર ઠેર ઉભા કરેલા સ્ટોલ પર ફાફડા જલેબી વેચાતા નજરે પડયા હતા.વડોદરા શહેર મીઠાઈ ફરસાણ ઉત્પાદક મંડળના પ્રમુખ રાધેશ્યામ શાહ અને સેક્રેટરી ભરતભઈ રાણાનું કહેવું છે કે, વડોદરામાં લગભગ ૮૦૦ દુકાનો પર ફાફડા જલેબીનું વેચાણ થાય છે.જ્યાં ત્રણ થી ચાર દિવસ અગાઉથી ફાફડા-જલેબી બનાવવાનું શરુ થઈ જાય છે.આ વર્ષે બેસન, તેલ અને ઘીના ભાવમાં વધાર થયો હોવાથી ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો ૬૦ રુપિયાથી ૮૦ રુપિયાનો વધારો થયો છે.
તેમના જણાવ્યા અનુસાર ફાફડાનો ભાવ પ્રતિ કિલો ૪૮૦ થી ૭૦૦ રુપિયા છે.તેલની જલેબીનો ભાવ ૨૨૦ થી ૩૨૦ રુપિયા તેમજ ચોખ્ખા ઘીની જલેબી ૫૫૦ થી ૮૦૦ રુપિયાના ભાવે વેચાઈ રહી છે.એક અંદાજ પ્રમાણે વડોદરાના લોકો એક જ દિવસમાં ૬ કરોડ રુપિયાના ફાફડા જલેબી ખાઈ જશે.ફાફડા જલેબી ખાવાનો ક્રેઝ વડોદરામાં છેલ્લા દસ-પંદર વર્ષથી વધી ગયો છે.જેના કારણે ફાફડા-જલેબીનું વેચાણ ઉત્તરો ઉત્તર વધી રહ્યું છે.