વડોદરા : માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વડોદરા : માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ 1 - image

image : Freepik

- નવા બજાર, મંગળ બજારમાં ઠેર ઠેર ચણીયા ચોળી, ધોતી કુર્તા ખરીદવા માટે ભારે ભીડ: ઓક્સોડાઇઝના ઘરેણા માટે લારીઓ ગોઠવાઈ

વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે માતાજીના નવરાત્રીના ગરબા મહોત્સવ. હવે જ્યારે નવરાત્રીના ગરબા મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની ભક્તિમાં ભક્તિ માટે ગરબા રમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ખેલૈયાઓ ચણિયાચોળી અને કુર્તા ધોતીમાં કલાકો સુધી ગરબાના જુદા જુદા સ્ટેપની પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. 

ચણીયા ચોળીના તથા કુર્તા ધોતી માટેના મુખ્ય બજાર ગણાતા નવા બજાર અને મંગળ બજારમાં હૈયે હૈયું દળાય એવી ભીડ મોટાભાગના બજારો કરતા આ બંને બજારમાં જોવા મળે છે. ખેલૈયાઓ સાથે મિત્ર વર્તુળ ચણિયાચોળી સહિત ધોતી કુર્તાની પસંદગી માટે સાથે આવતા હોવાથી બજારોમાં ગ્રાહકોની ભીડ અનેરી જોવા મળે છે.

જ્યારે બીજી બાજુ ગણતરીના દિવસો નવરાત્રી મહોત્સવના બાકી રહ્યા હોવાથી લારી ગલ્લા, પથારાવાળા સહિત દુકાનદારોને કમાણી કરી લેવા દેવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ વેપારીઓ તરફ દાખવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા માત્ર વાહન વ્યવહારમાં વિક્ષેપ ન પડે એ બાબતે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ કરતા મંગળ બજાર અને નવા બજારમાં જોવા મળી રહ્યા છે. જોકે અન્ય વિસ્તારમાં પણ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સતત પેટ્રોલિંગમાં વ્યસ્ત રહે છે. નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓના રૂપ રંગમાં વધારો કરતા ઓક્સોડાઇઝના ઘરેણા માટે પણ ઠેર ઠેર લારીઓ અને દુકાનોમાં જાતજાતના ઘરેણા ખરીદવા ખેલૈયાઓ ઉમટી રહ્યા છે.

ઉપરાંત કેટલીક જગ્યાએથી ભાડાના ચણિયાચોળી અને ધોતી કુર્તા માટે પણ ખેલૈયાઓમાં થનગનાટ છે. નવરાત્રિના નવે નવ દિવસ વિવિધ જાતજાતના અને ભાત ભાતના ડ્રેસ બદલવા માટે ખેલૈયાઓ મોટેભાગે ભાડેથી ડ્રેસ લેવાનું પસંદ કરતા હોય છે જોકે ભાડેથી ચણિયાચોળી અને વિવિધ ડ્રેસ આપનારાઓ પણ મોઢે માગ્યા ભાવ ખેલૈયાઓ પાસેથી પડાવતા હોય છે. ભાડા બાબતે વેપારીઓને કોઈ નિયમન હોતું નથી. 

કોરોના મહામારીના બે વર્ષ સુધી ખેલૈયાઓ ગરબે નહીં ઘૂમી શકતા નારાજ હતા. પરિણામે બે બે વર્ષનો કસ કાઢવા માટે ખેલૈયાઓ ખૂબ આતુર જણાય છે અને કલાકો સુધી સતત અવનવા જુદા જુદા સ્ટેપ માટેની પ્રેક્ટિસ કરતા હોય છે આ બાબતે ઠેર ઠેર ક્લાસીસો પણ શરૂ થયા છે. ઓક્સોડાઇઝના ઘરેણા માટે રોકડનાથ મંદિરની આજુબાજુ ઠેરઠેર લારીઓ ખડકાઈ ગઈ છે. જોકે બજારમાં હવે યુવા ખેલૈયાઓ માટે જાતજાતના અને ભાત ભાતના ફેટાઓ પણ બજારની દુકાનોમાં ગોઠવાઈ ગયા છે.

હવે જ્યારે દિન પ્રતિદિન શેરી ગરબા લુપ્ત થઈ રહ્યા છે અને બીજી બાજુ મોટા મેદાનોમાં રમાતા ગરબાનું વ્યાપારીકરણ પણ થઈ રહ્યું છે. આવા ગરબામાં રમવા માટે ખેલૈયાઓને ચોક્કસ એન્ટ્રી ફી આપવી પડે છે જ્યારે યુવતીઓ માટે માત્ર કેટલાક નાણાં લેવામાં આવે છે. આ નાણા નવરાત્રી પૂરી થયા બાદ આયોજકો દ્વારા પરત આપવામાં આવે છે પરંતુ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા મોટા ભાગની ખેલૈયા યુવતીઓ આવા ડિપોઝિટના નાણા પરત લેવા જતી નથી.

દરમિયાન શહેરના મોટા ગરબામાં રમવા બાબતે રજીસ્ટ્રેશન કરવા અંગે આયોજકો દ્વારા ખુરશી ટેબલ અને કેબીનો પણ બનાવી દેવાય છે અને મેદાનોમાં ડેકોરેશન બાબતે પણ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.


Google NewsGoogle News