સ્માર્ટ મીટરના વિરોધમાં વડોદરાના લોકોએ સુભાનપુરામાં આવેલી વીજ કચેરીની તાળાબંધી કરી

Updated: May 29th, 2024


Google NewsGoogle News
સ્માર્ટ મીટરના વિરોધમાં વડોદરાના લોકોએ સુભાનપુરામાં આવેલી વીજ કચેરીની તાળાબંધી કરી 1 - image


Smart Meter Controversy Vadodara: વીજ કંપનીઓના સ્માર્ટ મીટરો લગાવવા સામે રાજ્યમાં સૌથી પહેલો વિરોધ વડોદરાથી શરુ થયો હતો અને આ વિરોધ પછી આખા રાજ્યમાં પ્રસર્યો હતો. જેના કારણે સરકારને પણ સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી પર રોક લગાવવાના આદેશો આપવા પડયા હતા. 

બીજી તરફ વડોદરામાં તો સ્માર્ટ મીટર સામે હજી પણ રોષ યથાવત છે. ગોરવા વિસ્તારના હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકોનો એક મોરચો સ્માર્ટ મીટરના વિરોધમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની સુભાનપુરા વિસ્તારની કચેરી ખાતે પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ઓફિસને તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

લોકોએ વીજ કચેરીના પ્રાંગણમાં જ સ્માર્ટ મીટર અને વીજ કંપનીની હાય..હાય..ના નારા લગાવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, વીજ કંપનીએ અત્યાર સુધી અમારા ઘરોમાં જે પણ સ્માર્ટ મીટર લગાવ્યા છે તે કાઢવા માટે હજી સુધી કોઈ હિલચાલ કરી નથી. અમને નવા મીટરો જોઈતા નથી. વીજ કંપની અમને જૂના મીટર પાછા આપી દે.લોકોએ એવું પણ કહ્યું હતું કે, સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોના ઘરે લગાવો. લોકોએ વીજ કચેરીના દરવાજા પર તાળા લગાવી દેતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. બાદમાં વીજ કચેરીમાં કામ કરતા કર્મચારીઓએ તાળા ખોલ્યા હતા.

આ પહેલા પણ ગોરવા હાઉસિંગ બોર્ડના 1200 જેટલા મકાનોના રહેવાસીઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં દેખાવો કરીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.


Google NewsGoogle News