વડોદરાના રહેણાંક વિસ્તારોમાં મગરોની સંતાકૂકડી, ચાર સ્થળે મગરો આવી જતા લોકો ભયભીત
Crocodile in Vadodara : વડોદરામાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ રહેણાંક વિસ્તારોમાં મગરો સંતાકૂકડી રમી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જુદા જુદા વિસ્તારોમાં ચાર મગરોએ દેખા દેતા લોકો ભયભીત થઈ ગયા હતા. આ પૈકી ત્રણ મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
કારેલીબાગ વિસ્તારની વર્ધમાન સોસાયટીમાં મહાકાય મગર ધસી આવતા નાસભાગ મચી હતી. મગર પાર્ક કરેલા વાહનો ની આસપાસ તેમજ સોસાયટીના મેન રોડ પર ટહેલતો હોવાથી લોકો ઘરમાં પુરાઈ ગયા હતા. જીવ દયા કાર્યકરોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આવી જ રીતે વાઘોડિયા રોડના ખટંબા ગામ નજીક અક્ષર વિહાર સોસાયટીમાં પાંચ ફૂટનો મગર આવી જતા જીવદયા કાર્યકરોની મદદ નહીં તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરા પાસે ભાયલી વિસ્તારમાં પણ આજે સવારે મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો નવનાથ મહાદેવ માં સમાવેશ થાય છે તેવા વડસર પાસેના કોટેશ્વર મહાદેવ નજીક પણ આજે છેલ્લા સોમવારે દર્શનાર્થીઓને મગર દેખાતા તેમનામાં ગભરાટ ફેલાયો હતો. દર્શનાર્થીઓએ આ સ્થળે કોર્પોરેશન દ્વારા સારો રસ્તો બનાવવામાં આવે અથવા તો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે.