વડોદરાઃ વિકાસના કામોનું ફારસ, પાદરાના 3 ગામમાં RO પ્લાન્ટના કામ રદઃ લોકો બીજા ગામેથી પાણી ખરીદી રહ્યા છે
વડોદરાઃ વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં લાખોના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવે છે પરંતુ તેના અમલમાં ડખા પડતા હોવાથી લાંબા સમય સુધી કામો અટવાઇ જતા હોય છે અને મોટે ઉપાડે જાહેર કરેલા કામો ફારસ રૃપ બની જતા હોય છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવો જ એક કિસ્સો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.દલોણી,વંછરા અને શાનપુર ગામમાં પીવાનું પાણી ખારૃં આવતું હોવાથી ગ્રામજનોને લાંબા સમયથી મુશ્કેલી પડતી હતી.મોટાભાગના લોકો આસપાસના ગામોમાંથી ખાનગી આરઓ પ્લાન્ટમાંથી પીવાના પાણીના કારબા ખરીદી રહ્યા છે.
ગ્રામજનો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હોવાથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય સુધાબેન પરમારે બે વર્ષ પહેલાં ઉપરોક્ત ત્રણ ગામોમાં કેન્દ્રના નાણાંપંચની ગ્રાન્ટમાંથી આરઓ પ્લાન્ટ માટે રકમ ફાળવી હતી અને આ કામ મંજૂર પણ થઇ ગયું હતું.
પરંતુ મંજૂર થયેલા કામને અમલમાં મુકવામાં વિલંબ થયો છે અને આરઓ પ્લાન્ટના ભાવને લગતા કેટલાક વહીવટી મુદ્દા પણ બાધારૃપ બન્યા હતા.જેને કારણે બે વર્ષ સુધી ગ્રાન્ટ વપરાઇ નહતી.આજે જ્યારે મહિલા સદસ્યના પતિ રજૂઆત માટે ગયા ત્યારે આ ત્રણેય કામો રદ થઇ ગયા હોવાનું ટીડીઓ અને ડીડીઓએ જણાવ્યું હતું.હવે એકાદ બે દિવસમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જવાની હોવાથી આ કામ લાંબા સમય સુધી અટવાઇ જાય તેવા સંજોગ સર્જાયા છે.
ગામના લોકો ભાડે ટેમ્પો કરીને સામૂહિક રીતે પાણીના કારબા મંગાવી રહ્યા છે
પાદરા તાલુકાના ત્રણ ગામોના લાકોને પીવાનું પાણી સામૂહિક રીતે મંગાવવું પડતું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
વંછરા,દલોણી અને શાનપુર ગામમાં પીવાનું શુધ્ધપાણી નહિં મળતું હોવાથી લોકો વારિગૃહમાં આરઓ પ્લાન્ટ મૂકવા માટે રજૂઆત કરી રહ્યા છે.
હાલમાં ગામલોકોને કાં તો દૂષિત પાણી પીવું પડે છે અથવા તો સામૂહિક રીતે ખાનગી આરઓ પ્લાન્ટમાંથી કારબા દીઠ રૃ૧૦-૨૦ ખર્ચીને પાણી લાવવું પડે છે.આ માટે ભાડેથી ટેમ્પો પણ કરવો પડતો હોય છે અને તેનો ખર્ચ પણ વેઠવો પડે છે.
લાખોના મંજૂર કામોની અમલવારીમાં ડખા..ના મેન મેટરના બોક્સ
પાણીના કામોના ટેન્ડર જિલ્લા કક્ષાની કમિટિ કરતી હોય છે,ચૂંટણી પછી કામ થશે
પાદરાના ત્રણ ગામોના પીવાના પાણીના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ કહ્યું હતું કે,જે તે વખતે નાણાપંચમાં કામોનું આયોજન થયું હતું.ટેન્ડરોનું કામ જિલ્લા કક્ષાની કમિટિ જોતી હોય છે.આ ટેન્ડર પ્રક્રિયામાં નિયમનો ભંગ થતો હોય તો ફરી મંગાવવામાં આવે છે.પાદરાના ઉપરોક્ત ત્રણેય ગામોના કામો રદ નથી થયા પરંતુ ફરી ટેન્ડરિંગ થશે અને ચૂંટણી પછી આ કામ થઇ જશે.
કારોબારીના પૂર્વ ચેરમેને પણ મંજૂર કામો અટવાતાં રોષ વ્યક્ત કર્યો હતો
વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મીટિંગમાં થોડા સમય પહેલાં કારોબારીના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલે અઢી વર્ષ પહેલાં તેમના સમયગાળામાં મંજૂર થયેલા વિકાસના કામોનો અમલ નહિં થયો હોવાથી વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.