નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં કાંઠા વિસ્તારના લોકો સાવધ કર્યા
ઉપરવસમાંથી ૧૧૭૨૫૭ ક્યુસેક આવક : હાલ સપાટી ૧૩૫.૦૩ મીટર
રાજપીપલા,નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક વધતા ડેમમાં હાલ પાણીની આવક ૧૧૭૨૫૭ ક્યુસેક થઈ રહી છે જો કે ડેમમાંથી આવક સામે પાણી છોડાતા ડેમની જળ સપાટી ૧૩૫.૦૩ મીટરે સ્થિર રહી છે.
ડેમની જળ સપાટીનું રૃલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે ૬ વાગ્યાથી નર્મદા ડેમના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધી ડેમના પાંચ દરવાજા ખુલ્લા હતા, પણ આવક વધતા પાંચને બદલે ૯ ગેટ ફરી ખોલવાનો વારો આવ્યો છે. ડેમના ૯ ગેટમાંથી ૫૦,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં જઈ રહ્યું છે. આરબીપીએચ માંથી ૪૩૬૧૪ અને સીએચપીએચમાંથી ૨૩૩૭૦ ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડાતા કુલ ૧૧૬૯૭૬ ક્યુસેક પાણી નદીમાં જતા નદી બે કાંઠે વહી રહી છે. જેથી નર્મદા, ભરૃચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરવામાં આવ્યા છે.