વડોદરામાં જયરત્ન ચાર રસ્તા પાસેની દ્વારકેશ કુંજ સોસાયટીમાં બે મહિનાથી દુષિત પાણીની સમસ્યા
Dirty Water in Vadodara : વડોદરા શહેરના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલી દ્વારકેશ કુંજ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી દુષિત અને દુર્ગંઘયુક્ત પાણી તથા ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સ્થાનિકો ભોગવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ભાજપના મહિલા કોર્પોરેટરને જાણ કરતા તેઓ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ આજે કોંગ્રેસના કોર્પોરેટર સ્થાનિકોની વ્હારે આવ્યા છે અને સુત્રોચ્ચાર કરીને સ્થાનિકો સાથે વિરોધ નોંધાવ્યો છે.
વિરોધ કરનાર દ્વારકેશકુંજ સોસાયટીના સ્થાનિકો જણાવે છે કે, ગંદુ પાણી બે મહિનાથી વધુ સમયથી આવી રહ્યું છે. પાણી સારૂ આવે તો ડ્રેનેજના પાણી તેમાં મિશ્રિત થઇ જાય છે. ખરાબ પાણી આવવાથી પીવાનું પાણી બરાબર નથી મળતું. સાથે ડ્રેનેજ લાઇન પણ ઉભરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેને જાણ કરીએ તો તાત્કાલિક તેઓ મદદે આવે છે. તેઓ આવતા-જતા પણ અમારી સમસ્યાની જાણકારી લેતા રહે છે. અમારી માંગ છે કે, ચોખ્ખુ પાણી આવવું જોઇએ. ડ્રેનેજ લાઇન ઉભરાવવાથી અવર-જવર માટે મુશ્કેલી પડી રહી છે. સમસ્યા દુર કરી આપવા માટે વિનંતી છે.
અન્ય સ્થાનિક જણાવે છે કે, હું 15 દિવસથી બિમાર છું. મને 10 જેટલા બોટલ ચઢાવાયા છે. અમારી સમસ્યા અંગે જાગૃતિબેન કાકાને જાણ કરી તો તેઓ નથી આવવું તેમ જણાવી રહ્યા છે. અહિંયા જ્યારે રસ્તાની દિવાલ બની ત્યારે જાગૃતિબેન જોડે બોલવાનું થયું હતું. તેઓ સામેપક્ષે છે. બાદમાં તેઓ અમારી મુશ્કેલીથી વિમુખ થયા હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે.
મહિલા જણાવે છે કે, ત્રણ-ચાર મહિનાથી પાણી ખરાબ આવી રહ્યું છે. અહિંયા કેટલાયના છોકરાઓ બિમાર પડ્યા છે. વાસ આવતું પાણી આવી રહ્યું છે. સાથે પાણીમાં કચરો આવી રહ્યો છે. સાથે જ મહિનામાં 15 દિવસ ગટર ઉભરાય છે. અમે રજૂઆત કરીએ છતાં કોઇ આવતું નથી.
આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, છેલ્લા બે મહિનાથી અમારા વિસ્તારની દ્વારકેશ કુંજ સોસાયટીમાં સમસ્યા છે. ઓછામાં ઓછા 60 પરિવારો અહિંયા રહેતા હશે. બાજુમાં ડોંગરે મહારાજ સરકારી સ્કુલ આવેલી છે. સ્કુલમાં પણ આ લાઇન જઇ રહી છે. બે મહિનાથી ગટરનું પાણી આવતું હોય, વારંવાર રજૂઆત કરે છતાં કોઇ જોવા ન આવે તેવી સ્થિતી છે. અહિંયા ડ્રેનેજના પાણી ઉભરાઇ રહ્યા છે. તેમાંથી પસાર થઇને આવવું પડી રહ્યું છે. ગંભીર સ્થિતી છતાં કોઇ જોવા આવતું નથી. શાળા હાલ બંધ છે, ટુંક સમયમાં શરૂ થશે ત્યારે કેવી પરિસ્થિતી ઉભી થશે? સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઇએ.
ભાજપના મહિલા કોર્પોરેટર અમારા કામ કરતા નથીનો સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ
જયરત્ન ચાર રસ્તાની દ્વારકેશ કુંજ સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં બે-ત્રણ મહિનાથી આવતા દુષિત ગંદા દુર્ગંધવાળું પાણી આવે છે ત્યારે પોતાના વોર્ડ ૧૩માં આ બાબતે આવેલા સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાએ તમારા વિસ્તારનું કામ હું નહીં કરું તેવા આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે. આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, મંદિર તરફની કમ્પાઉન્ડ વોલ બનાવવા બાબતે સ્થાનિક લોકોએ કાઉન્સિલર જાગૃતિ કાકાને સહકાર આપ્યો ન હતો. જેથી આ મહિલા કાઉન્સિલરે તમારા કામ હું નહીં કરું તેવું જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.